‘સસુરાલ સિમર કા’ ફૅમ અભિનેતા આશિષ રૉયનું 55 વર્ષની વયે નિધન
આશિષ રૉય
‘સસુરાલ સિમર કા’, ‘બનેલી અપની બાત’, ‘બ્યોમકેશ બક્શી’, ‘યસ બોસ’, ‘બા બહૂ ઔર બેબી’, ‘મેરે અંગને મેં’, ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી’, ‘જીની ઔર જીજૂ’ જેવી અનેક લોકપ્રિય સીરિયલમાં કામ કરી ચૂકેલા પોપ્યુલર ટીવી અભિનેતા આશિષ રૉય (Ashiesh Roy)નું 55 વર્ષની ઉંમરમાં કિડની ફેઈલ થવાથી નિધન થયું છે.
કિડની સંબંધિત બીમારીઓ સામે લાંબો સમય લડયા બાદ અશિષ રૉયે મંગળવારે ઓશિવરા સ્થિત ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતા લાંબા સમયથી માંદગી સામે લડી રહ્યાં હતા અને આર્થિક સ્થિતિ પણ સારી નહોતી. તેમણે થોડાક સમય પહેલા સોશ્યલ મીડિયા પર મદદ માટે વિનંતી પણ કરી હતી. લાંબા સમયથી બીમારી સામે લડી રહેલા આશિષ પાસે સારવાર કરાવવા માટે પૈસા નહોતા. આ વર્ષે મે મહિનામાં, તેમણે તેમના ફેસબુક પેજ પરથી ઈન્ડસ્ટ્રીના લોકો તેમજ અન્ય લોકો પાસેથી આર્થિક મદદ માંગી હતી. કિડનીની સમસ્યાને કારણે તેઓ ડાયાલિસિસ પર હતા, જેના માટે તેમને પૈસાની ખૂબ જ જરૂર હતી.
ADVERTISEMENT
ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં આશિષ રૉયની તબિયત વધુ બગડતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અચાનક તબિયત વધુ લથડતા તેમણે સોશ્યલ મીડિયાના માધ્યમથી ભગવાન પાસે મૃત્યુ માંગ્યું હતું. 2019માં અભિનેતાને પેરાલિસિસનો અટેક આવાત લકવાગ્રસ્ત થયા હતા અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં આશિષે કહ્યું હતું કે, 2019માં લકવાગ્રસ્ત થયા પછી તેઓ સ્વસ્થ થઈ ગયા હતા પરંતુ તેમને કોઈ કામ મળ્યું નહોતું. ત્યારબાદ તેમણે જમાપુંજીના બળ પર જીવન જીવવાનું શરૂ કર્યું હતું.
આશિષ રૉયે અન્ય એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જો ઈન્ડસ્ટ્રી તેમને કામ આપશે નહીં, તો પરિસ્થિતિ વધુ વણસી જશે. જો તેમને મદદ કરવામાં નહીં આવે તો કોલકત્તામાં રહેતી બહેનને ત્યાં તેમણે શીફ્ટ થવું પડશે.
તમને જણાવી દઈ કે, આશિષ રૉય બે વાર લકવાગ્રસ્ત થયા હતા. લૉકડાઉનથી તેઓ મુંબઈ સ્થિત ઘરે જ છે. જ્યારે તેમણે આર્થિક મદદ માટે અપીલ કરી ત્યારે ટીના ઘાઈ, સૂરજ થાપર, બી.પી.સિંઘ, હબીબ ફૈઝલ જેવા ઘણા લોકોએ તેમને મદદનો હાથ લંબાવ્યો હતો.