‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’માં પર્ફોર્મ કરવા આવેલા ઇસ્માઇલની તેણે લોન ચૂકવી
બાદશાહ
‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’માં પોતાનું હુનર દેખાડવા રાજસ્થાનથી આવેલા ‘ઇસ્માઇલ લંઘા’ ગ્રુપના ઇસ્માઇલનું કર્જ બાદશાહે ચૂકવવાની તૈયારી દેખાડી છે. ઇસ્માઇલે સ્વપ્નેય વિચાર નહીં કર્યો હોય કે દેશના આટલા મોટા મંચ પરથી તેની સ્ટોરી સાંભળીને જજનું દિલ પીગળી જશે. સોની ચૅનલ પર આવતા આ રિયલિટી શોમાં આ વીક-એન્ડમાં જોવા મળશે કે રાજસ્થાનના ‘ઇસ્માઇલ લંઘા’ ગ્રુપ ‘સ્લો મોશન અંગ્રેઝા’ને કલ્ચરલ ફ્યુઝન સાથે પર્ફોર્મ કરશે. તેમના પર્ફોર્મન્સ બાદ શોની એક જજ શિલ્પા શેટ્ટી કુન્દ્રાના ધ્યાનમાં આવે છે કે ગ્રુપના દરેક સદસ્યએ પાઘડી પહેરી છે, પરંતુ માત્ર ઇસ્માઇલે જ નથી પહેરી. એથી ચોખવટ કરતાં ઇસ્માઇલ કહે છે કે તેની દીકરીનાં લગ્ન વખતે તેણે લોન લીધી હતી. સામેવાળાને તેણે વચન આપ્યું હતું કે જ્યાં સુધી તે પૂરી લોન ચૂકવી નહીં દે ત્યાં સુધી માથે પાઘડી નહીં પહેરે. આ સ્ટોરી સાંભળતાં જ ઇસ્માઇલને બાદશાહે કહ્યું કે ‘તમે મને તક આપશો કે હું લોન ચૂકવી દઉં?’
બાદશાહની આ વાત સાંભળીને ઇસ્માઇલ ગદ્ગદ થઈ ગયો. બાદશાહે સ્ટેજ પર જઈને ઇસ્માઇલને પાઘડી પહેરાવી હતી. સેટ પર હાજર સૌએ તેની આ પહેલની પ્રશંસા કરી હતી. બાદશાહનો આભાર માનતાં ઇસ્માઇલે કહ્યું કે ‘બાદશાહજીની માનવતા અને ઉદારતાનો હું દિલથી આભાર માનું છું. તેમણે મારા માટે જે આજે કર્યું છે એ વિચાર્યું પણ નહોતું અને મને સમજમાં નથી આવતું કે હું તેમનો આભાર કઈ રીતે માનું. અમે ૧૭ કરતાં પણ વધુ દેશોમાં પર્ફોર્મ કર્યું છે અને ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’નો મંચ અમારા માટે આશીર્વાદ બનીને આવ્યો છે. આશા છે કે દર્શકોને અમારો પર્ફોર્મન્સ પસંદ આવશે અને તેઓ અમને પ્રેમ અને સપોર્ટ પણ કરશે.’

