તારક મહેતા રસગુલ્લા ખાશે કે નહીં એ નક્કી કરશે પબ્લિક!
તારક મહેતા રસગુલ્લા ખાશે કે નહીં એ નક્કી કરશે પબ્લિક!
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નાં અંજલિ તારક મહેતાનો કટ્ટર ડાયટ પ્રેમ જગજાહેર છે અને તેનો શિકાર હંમેશ લેખકપતિ તારક મહેતા બનતા રહે છે. આજકાલ થયું એવું છે કે અય્યર બંગાળી મીઠાઈ રસગુલ્લાનો ડબ્બો જેઠાલાલના ઘરે પહોંચાડે છે જ્યાં પહેલાંથી જ તારક મહેતા (શૈલેશ લોઢા) હાજર છે. પત્ની અંજલિ નથી એટલે તેઓ ખુશ છે કે બિન્દાસ રસગુલ્લા ખાઈ શકશે પણ એ આખો ડબ્બો જેઠલાલ, ટપુ અને ચંપકલાલ ઓહિયા કરી જાય છે.
હવે અય્યર એક ડબ્બો તારક મહેતાના ઘરે પણ પહોંચાડે છે. એટલે ત્યાં ચૂપચાપ રસગુલ્લા ખાઈ લેવાશે એ અપેક્ષાએ તારક મહેતા ઘરે પહોંચે છે ત્યાં અંજલિ વચ્ચે આવી જાય છે. તારક મહેતા ગુસ્સે થાય છે. તેઓ અંજલિના ડાયટ પ્લાન સામે અવાજ ઉઠાવે છે. આમ તો આ વાત અંજલિ અને તારક મહેતા માટે નવી નથી, પણ આ વખતે તારક મહેતાને પોતાનું ગમતું મિષ્ટાન ખાવા મળશે કે નહીં એ ઑડિયન્સ નક્કી કરશે! ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક પોલ મૂકવામાં આવશે, જેમાં દર્શકોના મળેલા વોટ મુજબ નક્કી કરવામાં આવશે કે તારક મહેતા રસગુલ્લા ખાઈ શકશે કે નહીં. આ વખતે અંજલિનું નહીં ચાલે, પણ દર્શકોના વોટ મુજબ તારક મહેતાના મિષ્ટાનપ્રેમનું ભાવિ નક્કી થશે!

