‘કુંડલી ભાગ્ય’એ ૨૦ વર્ષનો લીપ લેતાં હવે આ બન્ને ઍક્ટર પણ કરી રહ્યા છે એન્ટ્રી
પારસ કલનાવત અને બસીર અલી
‘કુંડલી ભાગ્ય’એ હવે ૨૦ વર્ષનો લીપ લેતાં એમાં હવે પારસ કલનાવત અને બસીર અલી પણ એન્ટ્રી કરી રહ્યા છે. આ શોમાં શક્તિ અરોરા અને શ્રદ્ધા આર્ય લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે. જોકે હવે આ શો ૨૦ વર્ષનો લીપ લઈ રહ્યો છે અને એમાં હવે નવી-નવી એન્ટ્રી થઈ રહી છે. આ શોમાં હવે શૌર્ય લુથરાના રોલમાં બસીર અલી જોવા મળશે. આ પોતાનું કામ પોતાની રીતે કરે છે. તેનો લાઇફ પ્રત્યેનો દૃષ્ટિકોણ અલગ હોય છે. તે ફક્ત તેની મમ્મીનું જ સાંભળે છે. આ વિશે વાત કરતાં બસીરે કહ્યુ કે ‘હું ‘કુંડલી ભાગ્ય’ દ્વારા પહેલી વાર ડેઇલી સોપમાં કામ કરી રહ્યો છું. મને આ તક મળવા બદલ હું પોતાને ખુશનસીબ માનું છું. હું પોતાને ચોક્કસ પ્રકારના પ્રોજેક્ટમાં બાંધીને રાખવા નથી માગતો. આથી હું ઘણા રિયલિટી શોમાં કામ કર્યા બાદ હવે પોતાની જાતને ચૅલેન્જ આપી રહ્યો છું. હું વર્ષોથી ‘કુંડલી ભાગ્ય’ વિશે સાંભળતો આવ્યો છું અને હવે એમાં કામ કરવું મારા માટે ખુશીની વાત છે. મારું પાત્ર શૌર્ય સિલ્વર સ્પૂન સાથે જન્મ્યું હોય છે અને તેને કામ કરવાની કોઈ પડી નથી હોતી. તે તેની લાઇફને તેની શરતો પર જીવે છે. મારું માનવું છે કે કોઈ પણ શો અડધેથી જૉઇન કરવો ખૂબ જ ચૅલેન્જિંગ હોય છે, કારણ કે દર્શકો ચોક્કસ ઍક્ટરને શોમાં જોવા માટે ટેવાયેલા હોય છે.’
આ શોમાં પારસ રાજવીરનું પાત્ર ભજવી રહ્યો છે, જે પ્રીતાનો દીકરો હોય છે. તે તેની મમ્મીને કોઈ દિવસ ના નથી પાડી શકતો અને તે હંમેશાં રિલેશનશિપને મહત્ત્વ આપતો હોય છે. આ પાત્ર વિશે વાત કરતાં પારસે કહ્યું કે ‘મને ખૂબ જ ખુશી છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ટૉપના શોમાં ગણતરી થાય એવા શો ‘કુંડલી ભાગ્ય’માં હું કામ કરી રહ્યો છું. મારી આસપાસનું દરેક જણ હંમેશાં આ શો વિશે વાત કરે છે. મારી ફૅમિલી પણ એ જુએ છે અને એને ફૉલો કરે છે. રાજવીર એક ફન-લવિંગ બૉય છે, જે તેની મમ્મીને ખૂબ જ પ્રેમ કરતો હોય છે. તેનો નેચર એવો હોય છે કે તે હંમેશાં લોકોને મદદ કરતો હોય છે અને હંમેશાં લોકોમાં પૉઝિટિવ વસ્તુ જુએ છે. તે દરેક રિલેશનશિપનો રિસ્પેક્ટ કરે છે. હું મારા પાત્ર સાથે કનેક્ટ થાઉં છું અને હં એમાં સો ટકા આપવાનો પ્રયત્ન કરીશ. દર્શકો હંમેશાંથી આ શોને જેટલો પ્રેમ અને સપોર્ટ આપી રહ્યા છે એ અમને પણ આપે એવી આશા છે.’