સિંગર અને ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગમાં મુંબઈ વૉરિયરની ટીમ-મેમ્બર પૂર્વા મંત્રી પોતાના ગુજરાત-કનેક્શન વિશે વાત કરે છે
પૂર્વા મંત્રી
ઇન્ડિપેન્ડન્ટ સિંગર અને હાલમાં ઝીટીવી પર ચાલી રહેલા રિયલિટી શો ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’માં ‘મુંબઈ વૉરિયર’ ટીમની સભ્ય પૂર્વા મંત્રીનું માનવું છે કે ગમે એટલું ડિજિટાઇઝેશન થઈ જાય, પણ ભારતમાં ટીવીનું મહત્ત્વ રહેવાનું જ છે. તે કહે છે કે આર્ટિસ્ટને મોટા શહેરથી નાના ગામડા સુધી પહોંચવા માટે ટીવી માધ્યમ હજી પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે.
‘મુંબઈ વૉરિયર’ના કૅપ્ટન કૈલાશ ખેર અને ટીમ-મેમ્બર સિંગર શિલ્પા રાવ સાથેના બૉન્ડિંગ વિશે પૂર્વા મંત્રી કહે છે, ‘મને જ્યારે ખબર પડી કે હું મુંબઈ વૉરિયર ટીમમાં છું અને તેના કેપ્ટન કૈલાશ ખેર છે ત્યારે ખૂબ આનંદ થયો હતો. કેમ કે તેમની સાથે ગાવું, તેમની પાસે શીખવુ એ મોટી વાત છે. ઇન ફૅક્ટ, ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગના સ્ટેજ પર મારો સૌથી પહેલો પર્ફોર્મન્સ તેમની સાથે ‘તેરી દીવાની’ હતું જે વાઇરલ થયું હતું. મારું, કૈલાશ ખેર અને શિલ્પા રાવ સાથે પણ કમાલનું બૉન્ડિંગ છે.’
પૂર્વા મંત્રીની આ ચોથી પેઢી છે જે સંગીતક્ષેત્રે કાર્યરત છે. તેના પરનાના, નાના અને પછી મમ્મી ક્લાસિકલ સિંગર છે. પૂર્વા તેની મમ્મી પાસે હજી પણ સંગીત શીખે છે. તેણે કહ્યું કે ‘હું સુરતમાં ૧૧મા ધોરણમાં ભણતી એ દરમ્યાન મુંબઈ મ્યુઝિકના ક્લાસિસ લેવા એક વર્ષ સુધી અપ-ડાઉન કરતી. ભણવાનું બહુ નહોતું ગમતું એટલે સંગીતમાં વધુ પરોવાતી ગઈ.’