તે ‘ઇન્ડિયન આઇડલ સીઝન 14’ના વીક-એન્ડ એપિસોડમાં જોવા મળી રહ્યો છે
મમ્મી નર્ગિસ સાથે સંજય દત્ત
સંજય દત્તનું કહેવું છે કે તેને લાઇફમાં તેની મમ્મી નર્ગિસ સાથે વધુ સમય પસાર ન કરવાનો અફસોસ છે. તે હાલમાં જ દુબઈમાં તેની ફૅમિલી સાથે ન્યુ યર પસાર કરતો જોવા મળ્યો હતો. તે હવે ફરી વર્ક મોડમાં આવી ગયો છે. તે ‘ઇન્ડિયન આઇડલ સીઝન 14’ના વીક-એન્ડ એપિસોડમાં જોવા મળી રહ્યો છે. આ એપિસોડનું ટાઇટલ ‘સેલિબ્રેટિંગ સંજય દત્ત’ આપવામાં આવ્યું છે. આ એપિસોડમાં સંજય દત્તે તેની લાઇફ વિશેની ઘણી વાતો કરી હતી. આ શોની જજ શ્રેયા ઘોષાલે તેના પિતા સુનીલ દત્ત સાથેના તેના સંબંધ કેવા હતા એ વિશે પૂછતાં સંજય દત્તે કહ્યું હતું કે ‘હું એટલું કહીશ કે કેટલીક વાર આપણે આપણા પેરન્ટ્સને ફૉર ગ્રાન્ટેડ લઈએ છીએ. આપણે એવું સમજી લઈએ છીએ કે તેઓ તો હંમેશાં આપણી સાથે જ રહેવાના છે. જોકે મારી મમ્મી હંમેશાં મને કહેતી હતી જે મને આજે યાદ આવી રહી છે. મારી મમ્મી મને હંમેશાં કહેતી કે મારી સાથે વધુ સમય પસાર કર, મારી સાથે બેસ અને મારી સાથે વાત કર; કારણ કે તેને નહોતી ખબર કે તે ક્યારે દુનિયા છોડીને જતી રહેશે. મને અફસોસ છે કે હું તેની સાથે વધુ સમય પસાર નથી કરી શક્યો. મને એવું થાય છે કે જો મેં દિવસ દરમ્યાન થોડા કલાકો પણ તેની સાથે પસાર કર્યા હોત તો મને આજે આવી ફીલિંગ ન આવી રહી હોત.’

