કોઈ પણ શો કલાકારથી નહીં, એનાં પાત્રોથી ચાલે છે
કોઈ પણ શો કલાકારથી નહીં, એનાં પાત્રોથી ચાલે છે
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ડૉ. હાથી એટલે કે નિર્મલ સોનીનું કહેવું છે કે કોઈ પણ શો કલાકારોથી નહીં, પણ એના કિરદારથી ચાલે છે. ‘તારક મેહતા...’ શો શરૂ થયો એ વખતે નિર્મલ સોની ડૉક્ટર હાથી તરીકે એન્ટર થયા હતા, જે રોલ પછી કવિકુમાર આઝાદ ભજવતા હતા અને તેમના નિધન બાદ ડૉક્ટર હાથી તરીકે નિર્મલ સોની પાછા આવ્યા છે.
નિર્મલ સોની ઑફ-સ્ક્રીન બૉન્ડિંગની રસપ્રદ વાતો શૅર કરતાં જણાવે છે કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ઑન-સ્ક્રીન અને ઑફ-સ્ક્રીન પણ એક ફૅમિલી જેવું વાતાવરણ હોય છે. મને અને અંબિકાજી (કોમલ હાથી)ને ઊંધિયું બહુ ભાવે છે. તેઓ મારાં પાડોશી પણ છે એટલે શૂટિંગ ન હોય તો પણ હું તેમને ઊંધિયું ખાવું છે કે નહીં એમ પૂછી લઉં છું. આ ઉપરાંત નવા સોઢી તરીકે એન્ટર થયેલા બલવિન્દર સિંહને પણ હું વર્ષોથી ઓળખું છું અને અબ્દુલભાઈ (શરદ સંકલા) મારા રૂમ-પાર્ટનર છે એટલે આ ત્રણ વ્યક્તિ એવી છે જેમની સાથે મારું સૌથી વધુ બને છે.’
ઉલ્લેખનીય છે કે ‘તારક મેહતા...’માં આટલાં વર્ષો દરમ્યાન ઘણા ફેરફાર થયા, કલાકારો બદલાતા રહ્યા, પણ શોને દર્શકોનો એટલો જ પ્રેમ મળે છે. નિર્મલ સોની આ વિશે કહે છે, ‘આ શોની યુએસપી એની સ્ટોરી અને પાત્રો છે. મૂળ કૉલમમાં અને શોમાં પણ દરેક પાત્રને એટલી સારી રીતે ડેવલપ કરવામાં આવ્યું છે કે ઑડિયન્સને કલાકારો નહીં, પણ તેમનાં પાત્રો યાદ રહી જાય છે. કોઈ પણ શો ઍક્ટરથી નહીં, એનાં કૅરૅક્ટર્સથી ચાલે છે અને અહીં દરેક કૅરૅક્ટર મજબૂત છે. જેમ કે મારું પાત્ર ઓવરવેઇટ છે, પણ શો જોતાં કોઈને એવો સવાલ નહીં થાય કે એક ડૉક્ટર આટલું વજનદાર શરીર ધરાવે છે! પહેલાં હું ડૉ. હાથી તરીકે હતો, પછી આઝાદભાઈ આવ્યા અને ફરી હું આ રોલ કરી રહ્યો છું છતાં ‘ડૉ. હાથી’ને મળતો પ્રેમ બરકરાર છે.’ ડૉ. હાથીને તો તમામ વાનગીઓ ભાવે છે, પણ નિર્મલ સોનીની ફેવરિટ ડિશ ઊંધિયું, દાળ-ભાત અને કોબી-બટાટાનું શાક છે.

