એકતાની સિરિયલમાં અમર ઉપાધ્યાય સામે કોણ ફાઇનલ...
અમર ઉપાધ્યાય
અમર ઉપાધ્યાય ‘ક્યોં કિ સાસ ભી કભી બહૂ થી’ના મિહિર વિરાણી તરીકે આજે પણ એટલો જ પૉપ્યુલર છે. અમર ઉપાધ્યાય છેલ્લા ઘણા સમયથી ટીવી પર જોવા નથી મળ્યો, પણ હવે એકતા કપૂરના બાલાજી ટેલિફિલ્મ્સના નવા શોમાં લીડ ઍક્ટર તરીકે દેખાશે. આ શો કલર્સ પર લૉન્ચ થવાનો છે જેમાં હરિયાણાનું બૅકડ્રૉપ જોવા મળશે. શોમાં એવા પુરુષની વાત છે જે ચાલીસીમાં હોય છે અને પોતાનાથી ઘણી નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કરે છે. મુખ્ય અભિનેતા તરીકે અમર ઉપાધ્યાય સાથે ઇકબાલ ખાનનું નામ પણ ચર્ચામાં હતું, પણ હવે અમરનું નામ ફાઇનલ થઈ ગયું છે. તો ‘કૈસી હૈ યારીયાં’ ફેમ નીતિ ટેલર અને ‘યે રિશ્તે હૈં પ્યાર કે’ ફેમ રિયા શર્માને લીડ અભિનેત્રીના રોલ માટે અપ્રોચ કરવામાં આવી છે. જોકે હજી સુધી બેમાંથી કોઇને ફાઇનલ કરાયા નથી.
ઉલ્લેખનીય છે કે અમર ઉપાધ્યાય ૨૦૧૭માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘આવ તારું કરી નાખું’માં પણ કામ કરી ચૂક્યો છે અને હવે ‘ભૂલભુલૈયા 2’ અને ‘બૉબ બિસ્વાસ’ જેવી આગામી હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળશે.

