દેવેન ભોજાણી નવરાત્રિમાં ઘરે ગરબો પધરાવે છે, દરરોજ પાંચ ગરબા તો ગવાય જ છે
દેવેન ભોજાણી
પ્રોફેશનલ નવરાત્રિ અને ગરબા રમવામાંથી દેવેન ભોજાણીનો રસ ભલે ઓછો થઈ ગયો છે પણ આજેય ઘરે ગરબાના રૂપે માતાજી આવે ત્યારે અને નવરાત્રિ પૂરી થયા પછી ગરબો વળાવે ત્યારે તેમની આંખો છલકાઈ જાય છે. આ અદ્ભુત અને દિવ્ય ફીલિંગની વાત કરતાં દેવેનભાઈ ‘મિડ-ડે’ને કહે છે, ‘અમે વરસોથી ઘરમાં માતાજીનો ગરબો લઈએ છીએ. અનુકૂળ હોય તો ઘરમાં બધા સાથે મળી સાંજે આરતી કરીએ ને ગરબા ગાઈએ. ઓછામાં ઓછા પાંચ ગરબા તો ગાવાના જ. મારી મમ્મી અને વાઇફ આઠમના દિવસે ૯ ગોયણીઓ બોલાવે એટલે ૯ કુમારિકાઓને જમાડે. તેમની સાથે ડાન્સ કરે, ગરબા કરે, લાડ કરે, જમાડે અને ગિફ્ટ આપે. આ રિવાજ મારા ઘરે વર્ષોથી ચાલ્યો આવે છે.’
નવરાત્રિમાં માતાજીના ભક્તિભાવની વાત કરતાં દેવેનભાઈ કહે છે, ‘પર્સનલી હું માતાજીને બહુ માનું છું એટલે ગરબાના સ્વરૂપમાં માતાજી ઘરે પધારે ત્યારે આંખમાં ઝળઝળિયાં આવી જાય છે. ૯ દિવસ પૂરા થાય ત્યારે મારી વાઇફ માતાજીનો ગરબો વળાવવા માટે મંદિર લઈ જાય છે ત્યારે અમે બધા પગે લાગીએ છીએ અને એ ઘરેથી જાય ત્યારે આંખોમાં ઝળઝળિયાં આવી જાય છે. એ આવે ત્યારે હરખનાં આંસુ હોય છે અને જાય ત્યારે દુઃખનાં હોય છે. અમે માતાજીને આભાર વ્યક્ત કરી કહીએ કે અમે તારા આભારી છીએ, અમારા પર આવી જ કૃપા કાયમ રાખજો.’