આ શો દરરોજ સાંજે સાડાસાત વાગ્યે ટેલિકાસ્ટ થશે.
નિક્કી શર્મા અને અર્જુન બિજલાણી
આજથી ઝીટીવી પર શરૂ થઈ રહેલી સિરિયલ ‘પ્યાર કા પહલા અધ્યાય - શિવ શક્તિ’માં અર્જુન બિજલાણી અને નિક્કી શર્મા લીડ રોલમાં છે. શોમાં શિવના રોલમાં અર્જુન અને શક્તિના રોલમાં નિક્કી જોવા મળશે. શોની સ્ટોરી ધાર્મિક નગરી વારાણસીની છે. આ શો દરરોજ સાંજે સાડાસાત વાગ્યે ટેલિકાસ્ટ થશે. શોમાં કામ કરવા વિશે અર્જુને કહ્યું કે ‘શિવનો રોલ ભજવવાની તક મળી, જેને ખૂબ સુંદર રીતે લખવામાં આવ્યું છે અને એના દ્વારા મને મારી ઍક્ટિંગની વિવિધતા દેખાડવા મળશે. મારા માટે આ અદ્ભુત તક હોવાથી મેં એને જવા ન દીધી. આ જ મુખ્ય કારણ છે કે મેં આ કાલ્પનિક શોમાં ચાર વર્ષના ગૅપ બાદ કામ કરવાની હા પાડી હતી. દિલ્હીમાં અમે જ્યારે ગયા ત્યારે લોકોએ પ્રેમ અને જોશભર્યો પ્રતિસાદ આપ્યો હતો. એને કારણે મને પૂરો આત્મવિશ્વાસ બેઠો કે આ શો દ્વારા કમબૅક કરીને મેં યોગ્ય નિર્ણય લીધો છે. ફૅન્સે જે પ્રકારે ઉમળકો દેખાડ્યો એ એનું પ્રમાણ છે. એથી આ શો દ્વારા એની જર્ની લોકોને દેખાડવા માટે હું ઉત્સુક છું.’
બીજી તરફ નિક્કીએ કહ્યું કે ‘મારા માટે આ અપ્રતિમ પ્રેમની સ્ટોરીનો ભાગ બનવો એ એક નસીબની વાત છે. મને પૂરો ભરોસો છે કે એ લોકોનાં દિલમાં અચૂક સ્થાન બનાવશે. શોની ટીમ સાથે ખૂબ સરસ સમય પસાર કર્યો છે. થોડા સમયમાં જ અમારા બધા વચ્ચે સારાં રિલેશન બની ગયાં છે. શક્તિનું પાત્ર ખૂબ સરસ રીતે લખવામાં આવ્યું છે અને આ શોના શૂટિંગ વખતે મને ક્રીએટિવલી સંતુષ્ટિ મળી છે. ખરું કહું તો શોનો પ્રોમો ઑન-ઍર થતાં જ મને અઢળક પ્રશંસા મળી છે. દિલ્હીમાં લોકોનો પ્રેમ જોઈને તો હું આકાશમાં ઊડવા માંડી હતી. આ શો માટે લોકોનો જોશ મારા દિલને સ્પર્શી ગયો. અમારા બધા ફૅન્સ અને ફૉલોઅર્સને અમે આ શો દેખાડવા આતુર છીએ.’