શોને બાય-બાય કહેવા પાછળનું કારણ એ છે કે નવા પ્રોડક્શન હાઉસ સાથે તેને મતભેદ છે
રણવિજય સિંઘા
એમટીવી પર આવતા રિયલિટી શો ‘રોડીઝ’ને હોસ્ટ કરતા રણવિજય સિંઘાએ હવે આ શોને અલવિદા કહી દીધી છે. હવે આવનારી સીઝનમાં તે નહીં જોવા મળે. શોને બાય-બાય કહેવા પાછળનું કારણ એ છે કે નવા પ્રોડક્શન હાઉસ સાથે તેને મતભેદ છે. નવી ટીમ સાથે સહમતી ન બનતાં રણવિજયે આ શોને જ છોડવાનું નક્કી કરી લીધું છે. આ વાતની માહિતી તેણે જાતે આપી છે. આ શોનું શૂટિંગ સાઉથ આફ્રિકામાં ૧૪ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. એવું જાણવા મળ્યું છે કે સોનુ સૂદ કદાચ આ શોમાં હોસ્ટ તરીકે આવશે. જોકે તેના તરફથી કોઈ પ્રતિસાદ હજી સુધી નથી મળ્યો. બીજી તરફ શોમાંથી વિદાય લેવાની વાતની પુષ્ટિ કરતાં રણવિજય સિંઘાએ કહ્યું કે ‘આ ચૅનલે મારી જર્નીમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવી છે. હું ભવિષ્યમાં પણ તેમની સાથે કામ કરતો રહીશ. આ વખતની ‘રોડીઝ’ની એડિશનમાં અમારી વચ્ચે કેટલીક બાબતો પર સમજૂતી થઈ નહીં. અમારી તારીખો મૅચ થઈ નહીં અને એને કારણે હું હતાશ છું. હું આ ચૅનલ સાથે ૧૮ વર્ષથી કામ કરી રહ્યો છું. આ નેટવર્ક સાથે અનેક શોમાં કામ કર્યું છે. પ્રોડક્શન હાઉસ અને મારી વચ્ચે કોઈ તાલમેલ બેઠો નહીં.’