‘બાલવીર રિટર્ન્સ’માં જ્વાલા પરીનું પાત્ર ભજવતી ઍક્ટ્રેસ ઉર્વી ગોરે વડોદરામાં થિયેટર ગ્રૅજ્યુએશન કર્યું છે
ઉર્વી ગોર
સોની સબ પર ચાલી રહેલી ‘બાલવીર રિટર્ન્સ’ બાળકોમાં ખાસ્સી પૉપ્યુલર છે. એના બાલવીર, અનન્યા ઉર્ફે કારીગર પરી અને તનીશા સહિતનાં નેગેટિવ અને પૉઝિટિવ બેઉ પ્રકારનાં પાત્રો બાળકોને ખૂબ ગમે છે. એવું એક પાત્ર છેલ્લા મહિનાઓથી ચર્ચામાં છે અન એ છે જ્વાલા પરીનું. આ પાત્ર ઍક્ટ્રેસ ઉર્વી ગોર ભજવે છે.
પોતાના પાત્ર વિશે વાત કરતાં ઉર્વી કહે છે, ‘મારું પાત્ર આમ પૉઝિટિવ છે. તેની પાસે આગનું એલિમેન્ટ છે, માટે જ્યારે ઍક્શન સીન આવે ત્યારે તેનામાંથી આગ ભભૂકે છે. તે ગુસ્સે થઈ જાય. આ શોમાં વીએફએક્સનો મહત્તમ ઉપયોગ થાય છે. શોનું જોનર પરિકથાનું છે માટે એની આખી પ્રોસેસ જ અલગ હોય છે.’
જ્વાલાનું પાત્ર પણ બાળકોમાં ખૂબ લોકપ્રિય થયું છે. મૂળ કચ્છ, ગુજરાતની ઉર્વી જણાવે છે કે લોકો તેને સાચા નામ કરતાં જ્વાલાના પાત્રથી વધુ ઓળખે છે. ઉર્વી ગોરે વડોદરામાં થિયેટરમાં ગ્રૅજ્યુએશન કર્યું છે. ‘બાલવીર રિટર્ન્સ’ મળી એ પહેલાં તેણે ક્રાઇમ પૅટ્રોલના અમુક શો અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ સિરિયલમાં કામ કર્યું હતું. તે કહે છે, ‘મેં લૉકડાઉન પહેલાં પણ ‘બાલવીર’ માટે ઑડિશન્સ આપ્યાં હતાં, પણ સિલેક્ટ નહોતી થઈ. પછી ફરી મેં આપ્યાં, મને બોલાવી અને અંતે મને જ્વાલાનો રોલ મળ્યો.’
ઉર્વીની ગુજરાતી ફિલ્મ ‘જસ્ટિસ’ અને ‘કચ્છી ભજે ઈ ભાયડો’, ‘સુખ નતો અચે’ સહિતની ફિલ્મો આવી ચૂકી છે.