દેવ આનંદ જેવા જ દેખાય છે ગુજરાતી અભિનેતા કિશોર ભાનુશાલી
કિશોર ભાનુશાલી
એક સમયના બૉલીવુડના રૉમેન્ટિક હીરો ગણાતા અભિનેતા દેવ આનંદ (Dev Anand)નો આજે એટલે કે 26 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. ત્યારે આપણે તેમના જેવા જ આબેહૂબ દેખાતા ગુજરાતી અભિનેતા કિશોર ભાનુશાલી (Kishor Bhanushali)ની વાત કરીએ. ભલે દેવ આનંદ જેવા જ દેખાતા હોવા છતા કિશોર ભાનુશાલીની કિસ્મત એક્ટિંગ ક્ષેત્રમાં જોઈએ તેટલી ચમકી નહીં અને તેમણે ગુજરાત પાછા ફરવાનો વારો આવ્યો હતો. પણ દેવ આનંદ જેવા દેખાતા હોવાને કારણે કિશોર ભાનુશાલીની કિસ્મત પણ બદલાઈ ગઈ છે.
ભારતના ગ્રેગરી પૅક એટલે કે દેવ આનંદનો આજે 97મો જન્મદિવસ છે. દેવ આનંદની સ્ટાયલને ઘણા લોકોએ કોપી કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ જે એક્ટરને દેવ આનંદના ડુપ્લિકેટ કહેવામાં આવ્યા છે તે છે કિશોર ભાનુશાલી. જે હાલમાં 'ભાભીજી ઘર પર હે'માં કમિશનરનું પાત્ર ભજવી રહ્યાં છે. કિશોર ભાનુશાલીએ કરિયરની શરૂઆત 1989થી કરી હતી. ફિલ્મનું નામ હતુ 'લશ્કર' અને બાદમાં તેમણે 'ગોપી કિશન', 'કરણ અર્જુન' જેવી ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યુ. 'દિલ' ફિલ્મ બાદ દેવ આનંદે પોતે તેમને મળવા બોલાવ્યા હતા.
ADVERTISEMENT
'ભાભીજી ઘર પર હે'માં કિશોર ભાનુશાલી
એક ઈન્ટરવ્યૂ દરમિયાન કિશોર ભાનુશાલીએ કહ્યું હતું કે, 'દિલ' ફિલ્મ બાદ દેવ સાહેબને મળવા તેમની ઑફિસ ગયો હતો. તે દિવસે તે ખૂબ જ મજાકના મૂડમાં હતા. તેમણે મને જોઇને તેમના જ અંદાજમાં કહ્યું કે, કિશોર નામ છે ને? દિલ જોઇને મને લાગે છે કે હવે મારે તમારી કોપી કરવી પડશે. દેવ સાહેબે પૂછ્યુ કે, હવે તારી પાસે કેટલી ફિલ્મો છે ત્યારે જવાબ આવ્યો 8-10 ફિલ્મો ત્યારે દેવ આનંદે જવાબ આપ્યો કે મારી પાસે તો 2 જ ફિલ્મો છે મને પણ એકાદી ફિલ્મ આપો.
કિશોર ભાનુશાલીએ ક્યારેય દેવ આનંદની કોઈ ફિલ્મ નહોતી જોઈ. ત્યારે રાજેશ ખન્નાનો જમાનો હતો પરંતુ જ્યારે કોઈકે કહ્યું કે, તારો ચહેરો તો દેવ સાહેબને મળતો આવે છે ત્યારે કિશોરે જવાબ આપ્યો હતો કે, હું દેવ આનંદને નથી ઓળખતો. તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 10 વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. જ્યારે તેમને કંઇ કામ ન મળ્યુ તો તે પરત ગુજરાત આવી ગયા અને ફેમિલી બિઝનેસ કરવાનો વિચાર કર્યો. બાદમાં તેમને એક વીડિયો ફિલ્મની ઑફર આવી. ત્યારપછી 'રામગઢ' અને દિલ ફિલ્મે તેમની કિસ્મત બદલી નાંખી.
કિશોર ભાનુશાલી અત્યારે એન્ડ ટીવીની લોકપ્રિય સિરિયલ 'ભાભીજી ઘર પર હે'માં કમિશનરનું પાત્ર ભજવી રહ્યાં છે.