ઍક્ટર તરીકે પોતાની રેન્જ વિસ્તારવા માગે છે મનોજ ચંદીલા
ઍક્ટર તરીકે પોતાની રેન્જ વિસ્તારવા માગે છે મનોજ ચંદીલા
ઍક્ટર મનોજ ચંદીલા ઝીટીવીના શો ‘તેરી મેરી ઇક જિંદરી’માં જોગી અને માહીની લવ-સ્ટોરીમાં વિલન બનીને આવ્યો છે. મનોજનું પાત્ર અતિમહત્ત્વાકાંક્ષી છે અને પોતાને ગમતું મેળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. મનોજ ચંદીલાનું કહેવું છે કે જો આ શોમાં કોઈ પણ પ્રકારની કૉન્ફ્લિક્ટ સર્જાશે કે નેગેટિવિટી આવશે એનું એકમાત્ર કારણ તેનું પાત્ર પપ્પુ હશે. પપ્પુ બહુ લુચ્ચો છે અને તેને વાહવાહી કરતી કે તેની સામે ઝૂકનાર વ્યક્તિ પસંદ છે. શોના વર્તમાન ટ્રૅક મુજબ પપ્પુ ચાલાકીથી જોગી અને માહીને પોતાની જાળમાં ફસાવે છે અને બન્ને બેભાન અવસ્થામાં હોય છે ત્યારે બદઇરાદાથી તેમના ફોટો પાડી લે છે.
પહેલાં મૉડલિંગ અને ત્યાર બાદ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’થી ટીવી-ડેબ્યુ કરનાર મનોજે ‘યે હૈં મોહબ્બતેં’, ‘માટી કી બન્નો’, ‘લૌટ આઓ ત્રિશા’, ‘સ્વરાગિની’, ‘મૅડમ સર’ જેવા ટીવી-શો કર્યા છે. મુખ્યત્વે નેગેટિવ રોલ માટે જાણીતા અભિનેતાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મેં કરીઅરની શરૂઆતમાં પૉઝિટિવ રોલ કર્યા છે, પણ એક વખત તમે નેગેટિવ રોલ કરી લો એ પછી તમને એ પ્રકારના રોલ મળવા માંડે છે. હવે મને નેગેટિવ રોલ માટે અપ્રોચ કરવામાં આવે છે. જોકે હું એ એન્જૉય કરું છું, પરંતુ એક ઍક્ટર તરીકે પોતાની રેન્જ વિસ્તારવા માગું છું અને દરેક પ્રકારના રોલ કરવા ઇચ્છું છું.’

