હું એક મહિલા છું અને હું એમ કહું છું કે દરેક મહિલાને જાતે તેના નિયમોની બુક લખવા દો.
જુહી પરમાર
મહિલાઓ પર ઠોકી બેસાડવામાં આવતાં સામાજિક નિયમો-રૂઢિઓ વિશે ઊભરો ઠાલવ્યો જુહી પરમારે
‘કુમકુમ’થી જાણીતી ઍક્ટ્રેસ જુહી પરમારનું માનવું છે કે મહિલાઓએ જાતે જ પોતાના નિયમો ઘડવા જોઈએ. પડકારજનક સામાજિક નિયમો અને મહિલાઓ સાથે જોડાયેલી કેટલીક રૂઢિવાદી બાબતોને લઈને તેણે વાત કરી છે. ૮ માર્ચે ઇન્ટરનૅશનલ વિમેન્સ ડે છે. એ નિમિત્તે જુહીએ એક વિડિયો શૅર કર્યો છે જેમાં તેણે મહિલાઓને કેવા પ્રકારના પ્રેશરનો સામનો કરવા પડે છે એ વિશે જણાવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલા આ વિડિયોમાં જુહી કહે છે કે...
ADVERTISEMENT
હું એક મહિલા છું. જન્મથી જ મારામાં મલ્ટિટાસ્ક કરવાની આવડત છે. ઘરના કામકાજથી માંડીને માતૃત્વ અને કરીઅર બનાવવાની વિવિધ જવાબદારીઓ ખૂબ સરળતાથી કરી શકું છું. મને સ્કૂલમાં જવાનું કહેવામાં આવે છે. ત્યાર બાદ જો મારે કામ કરવું હોય તો એનો નિર્ણય મારા પેરન્ટ્સ કાં તો મારો પાર્ટનર કાં તો તેના પેરન્ટ્સ અથવા તો સમાજ લે છે. મારી પાસે પણ મગજ અને દિલ છે, પરંતુ એની કોઈને પરવા નથી. મારા પર સમાજે એક લેબલ લગાવી દીધું છે કે મારે કેવાં કપડાં પહેરવાં જોઈએ. શૉર્ટ્સ પહેરું તો કહેવામાં આવે કે તે ખૂબ મૉડર્ન છે. ટ્રેડિશનલ પહેરું તો કહેવામાં આવે કે તે જૂના જમાનાની બહેનજી છે. હું જ એક છું જેણે બલિદાન આપવું પડે છે. ક્યારેક મારી કરીઅરનું, ક્યારેક મારા સપનાનું અને હા, એ વિશે તમારે જરા પણ ચર્ચા નથી કરવાની. છોકરી છે તો આટલું તો કરવું જ પડે એવો નિયમ છે.
હું એક મહિલા છું અને હું એમ કહું છું કે દરેક મહિલાને જાતે તેના નિયમોની બુક લખવા દો. તેને પસંદગીનો અધિકાર આપો. જન્મથી જ તેના પર શું કામ પ્રેશર આપવામાં આવે છે? પર્ફેક્ટ બનવાનું પ્રેશર. મલ્ટિટાસ્ક કરવાનું પ્રેશર. રૂઢિવાદી પરંપરામાં બંધાઈ રહેવાનું પ્રેશર. એવો સમય લાવીએ કે જ્યાં તેના પર પર્ફેક્ટ બનવાનું પ્રેશર ન હોય. તે પોતાની પસંદગીઓ કોઈ જજમેન્ટ્સ કે પછી કોઈ લેબલ્સ વગર કરી શકે. તેને પણ ઇચ્છા પ્રમાણે રહેવાની આઝાદી આપો. તેને ભૂલો કરવા દો, તે પડે છે તો તેને ફરીથી બેઠી થવા દો. તેને આગળ વધવા દો.