બહેનના કહેવાથી મેં ઍક્ટિંગમાં કરીઅર બનાવી છે: શ્રિતી ઝા
શ્રિતી ઝા
'કુમકમ ભાગ્ય’માં પ્રજ્ઞાનું પાત્ર ભજવતી શ્રિતી ઝાએ જણાવ્યું હતું કે તેણે પોતાની બહેન મીનાક્ષીના કહેવા પર ઍક્ટિંગમાં કરીઅર બનાવી છે. બિહારના બેગુસરાઈથી આવેલી શ્રિતીએ સ્કૂલ દરમ્યાન અનેક ડ્રામામાં કામ કર્યું હતું. ‘કુમકમ ભાગ્ય’માં અભીની ભૂમિકા ભજવતા શબ્બીર આહલુવાલિયા સાથેની શ્રિતીની જોડી લોકોને ખૂબ પસંદ છે. આ સિરિયલ સોમવારથી શુક્રવાર રાતે નવ વાગ્યે ઝી ટીવી પર દેખાડવામાં આવે છે. ઍક્ટિંગને કરીઅર તરીકે પસંદ કરવાનું કદી પણ નહોતું વિચાર્યું એ વિશે શ્રિતીએ કહ્યું હતું કે ‘ખરેખર તો મીનાક્ષીએ મારી લડાઈ લડી હતી. હું એટલી તો શરમાળ હતી કે એ વાત સ્વીકારવા તૈયાર નહોતી કે હું ઍક્ટ્રેસ બની શકું છું અને કદી પણ વિચાર્યું નહોતું કે ઍક્ટિંગને કરીઅર તરીકે અપનાવું. હું જ્યારે પહેલી વખત ઑડિશન આપવા ગઈ તો મને આશા નહોતી કે મને સિલેક્ટ કરવામાં આવશે. મને આજે પણ યાદ છે કે મૉડલિંગ એજન્સીમાં એનું ઑડિશન ચાલી રહ્યું હતું. લાઇનમાં ઘણી બધી સુંદર છોકરીઓ ઊભી હતી. હું તો મેકઅપ વગર કૉલેજમાંથી જ પહોંચી ગઈ હતી. સાથે જ મેં તો ચશ્માં પણ પહેર્યા હતાં. તેમણે મને ચશ્માં કાઢવા કહ્યું હતું. ત્યાર બાદ તો મને ખાતરી થઈ જ ગઈ હતી કે તેઓ મને કામ તો નહીં જ આપે. એથી મેં વધુ પ્રયાસ પણ નહોતો કર્યો. જોકે મને લાગે છે કે તેમને મારી નૅચરલ ઍક્ટિંગ ગમી ગઈ અને મને કામ મળી ગયું. આ રોલ મળ્યા બાદ પણ એમાં કરીઅર બનાવવાનું મેં વિચાર્યું નહોતું. મેં નહોતું વિચાર્યું કે હું બૉમ્બે જઈશ અને ઍક્ટિંગ કરીશ. મારા પેરન્ટ્સ ખૂબ પ્રોટેક્ટિવ છે અને તેમને શોબિઝ વિશે માહિતી નથી. એવા કોઈ પ્લાન નહોતા કે હું મુંબઈ આવું, થોડાં વર્ષો સુધી કામ કરું. એથી તેમના માટે તો આ સરપ્રાઇઝ છે. જોકે મને એ ખબર નથી કે મારી બહેનને કેમ મારા પર ભરોસો બેઠો અને મને મનાવી લીધી. ખરું કહું તો તેણે કદી પણ મને ઍક્ટ કરતાં કે સ્ટેજ પર નથી જોઈ, પરંતુ તેણે મને કહ્યું હતું કે આ તક હાથમાંથી ન જવા દેતી. હવે મને એમ લાગે છે કે જો તેણે મારા પર દબાણ ન નાખ્યું હોત તો હું મુંબઈ ન આવી હોત અને તમારી પ્રજ્ઞા પણ ન બની હોત. મેં ઑફરને ગંભીરતાથી નહોતી લીધી, પરંતુ ભગવાનનો આભાર માનું છું કે તેણે મને ઍક્ટિંગ માટે મનાવી લીધી.’

