કપિલ શર્મા વિશે વાત કરતાં આવું કહ્યું કિકુ શારદાએ
કિકુ શારદા , કપિલ શર્મા
કિકુ શારદાનું કહેવું છે કે કપિલ શર્મા ખૂબ જ સિક્યૉર હોવાથી તે અન્ય ઍક્ટરને આગળ વધવાનો ચાન્સ આપે છે. તેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી સાથે કામ કરી રહ્યા છે. હાલમાં તેઓ નેટફ્લિક્સ પર આવી રહેલા ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં સાથે કામ કરી રહ્યા છે. આ શોમાં ફરી સુનીલ ગ્રોવર પણ આવી ગયો છે. કપિલ વિશે વાત કરતાં કિકુ શારદા કહે છે, ‘સ્ક્રીન પર હું કપિલ વિશે ગમે એવો જોક્સ કરું તો પણ તે એને ખૂબ જ સારી રીતે લે છે. અમે એકમેક સાથે ખૂબ જ કમ્ફર્ટેબલ છીએ. તે મને ઓળખે છે, અમે વર્ષોથી સાથે કામ કરીએ છીએ. હું તેનો ખૂબ જ રિસ્પેક્ટ કરું છું. હું દસ-પંદર મિનિટના ટાઇમ માટે ખૂબ જ મહેનત કરું છું, પરંતુ કપિલે પણ બૅલૅન્સ કરવું પડે છે. તે એક કલાકનો શો કરે છે, તેણે સેલિબ્રિટી સાથે વાત પણ કરવાની હોય છે. એમ છતાં અમુક લાઇન હોય છે જે કોઈ ક્યારેય ક્રૉસ નથી કરતું. ઘણી વાર એવું થાય છે કે કપિલ બૅક-સ્ટેપ લઈ લે છે અને સોફાની પાછળ જતો રહે છે અને સ્ટેજ મને આપી દે છે. એક સિક્યૉર વ્યક્તિ જ અન્ય વ્યક્તિને આગળ વધવાની તક આપે છે. આ સરળ નથી, પરંતુ કપિલ ખૂબ જ સુંદર રીતે એ કરે છે.’

