‘બૅરિસ્ટર બાબુ’માં ‘બોન્દિતા’ની કાકી તરીકે ઓજસ્વી અરોરાની એન્ટ્રી હતી, પણ હવે ખુશ્બૂ કમલ જોવા મળશે
ખુશ્બૂ કમલ
મહારાષ્ટ્રમાં વીક-એન્ડ લૉકડાઉનનો અમલ થયા બાદ હવે આજથી સંપૂર્ણ લૉકડાઉનનાં એંધાણ છે એટલે શૂટિંગના મામલે ટીવી-નિર્માતાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. કેટલાક શોના સેટ ગોવા, હૈદરાબાદ અને ગુજરાતમાં ખસેડવામાં આવ્યા છે. કલર્સના શો ‘બૅરિસ્ટર બાબુ’ની ટીમ પણ ગુજરાતમાં શૂટિંગ કરવા માટે પહોંચી ગઈ છે. આ શોમાં આવનારા ટ્રૅક મુજબ બોન્દિતાની કાકીનું પાત્ર એન્ટર થવાનું છે. આ રોલ પહેલાં ઓજસ્વી અરોરા (‘બ્રહ્મરાક્ષસ’ ફેમ) ભજવવાની હતી, પણ કોરોનાના હાઉને કારણે ઓજસ્વીએ શૂટિંગ માટે ટ્રાવેલિંગ ન કરવાનો અને બ્રેક લેવાનો નિર્ણય લેતાં તેની જગ્યાએ હવે ખુશ્બૂ કમલ જોવા મળશે.
ખુશ્બૂ કમલ ‘ભાબીજી ઘર પર હૈં’ અને ‘જીજાજી છત પર હૈ’ જેવા ટીવી-શોમાં જોવા મળી છે. ‘બૅરિસ્ટર બાબુ’માં ખુશ્બૂનું પાત્ર કલરફુલ અને એનર્જીવાળું હશે, તો બોન્દિતાનો લીડ રોલ કરી રહેલી બાળકલાકાર ઔરા ભટનાગરનું કહેવું છે કે ‘બૅરિસ્ટર બાબુ’ની આખી ટીમ એક પરિવારની જેમ છે એટલે તે આઉટડોર શૂટ માટે ઉત્સાહી તો છે, પણ બીજી તરફ તે પોતાની મમ્મીને બહુ મિસ કરવાની છે.

