મહિલાઓને સશક્ત બનાવવાના ફૂલબસન યાદવના અભિયાનમાં જોડાઈ રેણુકા શહાણે
રેણુકા શહાણે, ફૂલબસન યાદવ, અમિતાભ બચ્ચન
છત્તીસગઢની ફૂલબસન યાદવ સાથે હવે રેણુકા શહાણે પણ જોડાઈ ગઈ છે. ‘કૌન બનેગા કરોડપતિ?’ના કરમવીર એપિસોડમાં ફૂલબસન યાદવની સાથે રેણુકા શહાણે જોવા મળી હતી. મા બમ્લેશ્વરી જનહિત કરે સમિતિ દ્વારા ફૂલબસન યાદવે અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. 50 વર્ષની ફૂલબસન છત્તીસગઢની મહિલાઓના ઇકૉનૉમિક અને સોશ્યલ ડેવલપમેન્ટ માટે ખૂબ જ કામ કરે છે. મહિલાઓને સશક્ત કરવાની સાથે તેઓ ગામની જરૂરિયાતો જેવી કે હેલ્થ, પાણી અને બાળવિવાહ ન કરાવવા વિશે જાગરુકતા પણ ફેલાવે છે. ગામમાં થતી ઘરેલુ હિંસા માટે તેમણે મહિલા ફોજ પણ બનાવી છે જેઓ આવા કેસ પર નજર રાખે છે અને એ થતી અટકાવે છે. તેમની સાથે બે લાખ મહિલાઓ જોડાઈ છે અને હવે રેણુકા શહાણે પણ જોડાઈ ગઈ છે. આ વિશે વાત કરતાં રેણુકાએ કહ્યું હતું કે ‘તેમની સ્ટોરી સાંભળીને હું ખૂબ જ દુઃખી છું. હું એક શિક્ષિત હોવા છતાં લોકો માટે કંઈ કરી નથી શકી. કદાચ આ શો બાદ હું પણ કંઈ કરીશ હવે. ફૂલબસન યાદવજી, આજે બે લાખ મહિલાઓ તમારી સાથે છે અને એ હવે બે લાખ અને એક થઈ ગઈ છે. હું પણ તમારી સાથે એમાં જોડાઉં છું.’

