આખરે કપિલ શર્માએ તોડયું મૌન, શોને બકવાસ કહેનાર મુકેશ ખન્નાને આપ્યો જવાબ
મુકેશ ખન્ના, કપિલ શર્મા
બી.આર.ચોપરાની ‘મહાભારત’માં ભિષ્મપિતામહની ભૂમિકા ભજવનાર અભિનેતા મુકેશ ખન્ના (Mukesh Khanna)એ ‘ધ કપિલ શર્મા શો’ને બકવાસ ગણાવ્યો હતો. આ બાબતે આખરે કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma)એ મૌન તોડયું છે. મુકેશ ખન્નાએ કપિલ શર્માના શોને અશ્લીલ કહ્યો હતો અને શોમાં થતી કૉમેડીને પણ નીચલા સ્તરની ગણાવી હતી. આ બાદ ‘મહાભારત’માં યુધિષ્ઠિરની ભૂમિકા ભજવનારા ગજેન્દ્ર ચૌહાણ (Gajendra Chauhan)એ મુકેશ ખન્નાની ટીકા કરી હતી. પણ ત્યારે પણ કપિલ શર્મા ચુપ રહ્યો હતો. આખરે તેણે આ વાતનો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે, મુશ્કેલીના સમયમાં હું અને મારી ટીમ લોકોના ચહેરા પર ખુશી લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.
કપિલ શર્માના શો પર રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’ની કાસ્ટનું રીયૂનિયન થયું હતું. ત્યારબાદ શોમાં બી.આર.ચોપરાની ‘મહાભારત’માંથી નીતિશ ભારદ્વાજ (શ્રીકૃષ્ણ), ગજેન્દ્ર ચૌહાણ (યુધિષ્ઠિર), ફિરોઝ ખાન (અર્જુન), પુનીત ઈસ્સર (દુર્યોધન) તથા ગુફી પેન્ટલ (શકુની) આવ્યા હતા. પરંતુ આ સિરિયલમાં મહત્વની ભૂમિકા ભજવનાર મુકેશ ખન્ના શોમાં પહોંચ્યા નહોતા. બાદમાં તેણે શોને બકવાસ અને અશ્લીલ ગણાવ્યો હતો. હવે આ બાબત પર પ્રતિક્રિયા આપતા કપિલ શર્માએ કહ્યું છે કે, કોરોના વાયરસની મુશ્કેલીના સમયમાં હું અને મારી ટીમ લોકોના ચહેરા પર સ્મિત લાવવા માટે સતત મહેનત કરી રહ્યાં છે.
ADVERTISEMENT
કપિલ શર્માએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે વિશ્વ ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે લોકોને હસાવવું વધુ જરૂરી બને છે. તે દરેક વ્યક્તિ પર આધારીત છે કે તેને શેમાં સુખ શોધવું છે અને શેમાં ખામીઓ કાઢવી છે. મેં બધાને ખુશી આપવાનો અને હસાવવાનો માર્ગ અપનાવ્યો છે. હું મારા કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરવાને જ પ્રાથમિકતા આપીશ અને ભવિષ્યમાં પણ આમ કરવાનું ચાલુ જ રાખીશ.
તમને જણાવી દઈએ કે, મુકેશ ખન્નાએ ટ્વીટરના માધ્યમથી કહ્યું હતું કે, આ શોમાં ઘણી અશ્લીલતા છે, ડબલ મિનિંગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે, પુરુષો મહિલાના કપડા પહેરે છે અને ચીસો પાડે છે ને પછી લોકો પેટ પકડીને હસે છે. આ સિવાય તેમણે અર્ચના પૂરણ સિંહ અને નવજોત સિંહ સિદ્ધુની પણ ટીકા કરી હતી.

