'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' ફૅમ અભિનેતા સમીર શર્માએ કરી આત્મહત્યા
સમીર શર્મા
'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' અને 'કહાની ઘર ઘર કી' સિરિયલ દ્વારા ઘર ઘરમાં લોકપ્રિય થનાર અભિનેતા સમીર શર્મા (Sameer Sharma)એ 44 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી છે. બુધવાર રોજ પાંચ ઓગસ્ટરે રાત્રે સમીર શર્મા ઘરના રસોડામાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને આશંકા છે કે, સમીરે બે દિવસ પહેલાં જ એટલે કે ત્રણ ઓગસ્ટના રોજ આત્હત્યા કરી હશે.
પોલીસના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, સમીર શર્માએ મલાડ સ્થિત પોતાના ભાડાના ફ્લેટમાં રસોડામાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. સમીર મલાડ પશ્ચિમમાં અહિંસા માર્ગ પર નેહા CHS નામની બિલ્ડિંગમાં રહેતો હતો. સમીર આ વર્ષે ફેબ્રુઆરીમાં જ અહીંયા રહેવા આવ્યો હતો. પોલીસને આશંકા છે કે, અભિનેતાએ બે દિવસ પહેલાં એટલે કે ત્રણ ઓગસ્ટના રોજ આત્મહત્યા કરી હતી. ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પાંચ ઓગસ્ટના રોજ નાઈટ ડ્યૂટી દરમિયાન ચોકીદારે સમીરના શબને જોયો હતો અને સોસાયટીના લોકોને આ અંગેની માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસ આવી હતી. સુસાઈડ નોટ ન મળવાથી પોલીસને સમીરે કેમ આત્મહત્યા કરી તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.
ADVERTISEMENT
સમીર શર્માની નજીકના લોકોનું કહેવું છે કે, છેલ્લાં થોડાં વર્ષથી સમીરની તબિયત સારી નહોતી અને તેને કારણે તે દવાઓ લેતો હતો. જોકે, થોડાં મહિનાથી તેની તબિયતમાં સુધારો થયો હતો અને તે સેટ પર પણ આવતો હતો. જોકે, લૉકડાઉન બાદથી તેનો ટ્રેક હજી સુધી શરૂ થયો નહોતો.
સમીર શર્મા મૂળ દિલ્હીનો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ તે બેંગલુરુ ગયો હતો અને અહીંયા તેણે એડ એજન્સીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે અભિનય ક્ષેત્રે નામના મેળવવા માટે મુંબઈ આવી ગયો હતો.
સમીર છેલ્લાં 15 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો. તેણે 2005માં ‘દિલ ક્યા ચાહતા હૈં’ સિરિયલથી ટીવી ડેબ્યૂ કર્યું હતું. સમીર ‘જ્યોતિ’, ‘કહાની ઘર ઘર કી’, ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’, ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂ’, ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’, ‘ગીત હુઈ સબસ પરાઈ’, ‘26/12’, ‘દિલ ક્યા ચાહતા હૈં’, ‘વો રહને વાલી મહલો કી’, ‘આયુષ્માન ભવઃ’, ‘ભૂતુ’માં જોવા મળ્યો હતો. સમીરની ડેબ્યૂ ફિલ્મ ‘હંસી તો ફંસી’ હતી. સમીર ‘ઈત્તેફાક’માં પણ જોવા મળ્યો હતો.
હાલમાં સમીર સ્ટાર પ્લસની ‘યે રિશ્તે હૈં પ્યાર કે’માં કુહૂ (કાવેરી પ્રિયમ)ના પિતાનો રોલમાં જોવા મળતો હતો. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’માં અક્ષરાના ભાઈની ભૂમિકા પણ સમીરે ભજવી હતી.

