આલિયા ‘બિગ બૉસ OTT 2’માં દેખાઈ હતી.
આલિયા સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીની એક્સ-વાઇફ આલિયા સિદ્દીકીએ જણાવ્યું છે કે જો તે બિચારી હોત તો તેણે તેના પતિ પાસેથી પૈસા પડાવ્યા હોત. આ બન્નેની પર્સનલ લાઇફમાં ચાલી રહેલો વિવાદ જગજાહેર થયો હતો. તેમને એક દીકરી અને એક દીકરો છે. આલિયા ‘બિગ બૉસ OTT 2’માં દેખાઈ હતી. આ શોમાં પૂજા ભટ્ટ સાથે તેનો ઝઘડો થયો હતો. પૂજાએ જણાવ્યું હતું કે તે વિક્ટિમ કાર્ડ પ્લે કરી રહી છે. એ વિશે આલિયાએ કહ્યું કે ‘પૂજાજી એમ કહે છે કે હું વિક્ટિમ કાર્ડ પ્લે કરી રહી છું અને બિચારી બનીને રહું છું તો તેના આવા વિચારોને લઈને હું કાંઈ ન કરી શકું. હું બિચારી બનીને કદી પણ નહોતી આવી. જો હું બિચારી હોત તો આ શોમાં ન આવી હોત. મને ‘બિગ બૉસ OTT’ અહીં લઈને આવ્યા છે, કારણ કે તેમને લાગ્યું કે હું ફાઇટર છું. હું અન્યાય સામે અવાજ ઉઠાવી શકું છું અને આ જ કારણ છે કે હું આ શોમાં આવી. જો હું બિચારી હોત તો મેં મારા હસબન્ડ વિરુદ્ધ કેસ કરીને અઢળક પૈસા પડાવ્યા હોત અને દુબઈમાં આલીશાન મકાન લઈને, કાર્સ લઈને ફરી રહી હોત. જોકે હું અહીં બિચારી બનીને નથી આવી. મારા હસબન્ડની પ્રૉપર્ટી મારી મરજીથી છોડીને આવી છું. મને તેની પાસેથી જે પણ જોઈતું હતું એ મેં બધાની સામે જણાવ્યું છે કે મારે એક ઘરની જરૂર છે, કારણ કે એ મારી મૂળભૂત જરૂરિયાત છે.’