મોનિકાએ કહ્યું કે ‘મારી સાથે જે વર્તન થયું અને મેં જે એક્સ્પીરિયન્સ કર્યો એ વિશે મારે કહેવું હતું. મારે આ વાતને મારા ફૅન્સ અને મીડિયા સાથે શૅર કરવી હતી
મોનિકા ભદોરિયા
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરનાર મોનિકા ભદોરિયાનું કહેવું છે કે તેની સાથે જે ખોટું થયું એને તેને એક્સપોઝ કરવું હોવાથી તે પોતાનો અવાજ ઉઠાવી રહી છે. આ શોમાં એક પછી એક ઘણી વ્યક્તિઓ શો છોડીને જઈ રહી છે અને એ માટેનું કારણ સેટ પર જે રીતે આર્ટિસ્ટ સાથે વર્તન કરવામાં આવે છે એ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિશે વાત કરતાં મોનિકાએ કહ્યું કે ‘મારી સાથે જે વર્તન થયું અને મેં જે એક્સ્પીરિયન્સ કર્યો એ વિશે મારે કહેવું હતું. મારે આ વાતને મારા ફૅન્સ અને મીડિયા સાથે શૅર કરવી હતી. આમાં કોઈ બદલાની ભાવના નથી. જોકે મારી સાથે તેમણે જે પણ ખરાબ કર્યું એને મારે લોકો સમક્ષ લાવવું હતું. હું સ્ટાર પ્લસ પર ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં’ કરી રહી હતી. એ શોમાં મારું નેગેટિવ પાત્ર હતુ. આ શો ૨૦૧૩માં બંધ થયો હતો. આ શો બાદ મને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ઑફર કરવામાં આવ્યો હતો. મેં બાવરીનું પાત્ર ભજવ્યું હતું. આ શોએ મારી લાઇફ બદલી કાઢી હતી એ વાત પણ સાચી છે, પરંતુ સેટ પર મારી સાથે ખોટું પણ એટલું જ થયું છે.’