સોની સબ પર આવતા ‘અલીબાબા – એક અંદાઝ અનદેખા : ચૅપ્ટર 2’માં તે અલીનું પાત્ર ભજવી રહ્યો છે.
અભિષેક નિગમ
અભિષેક નિગમનું કહેવું છે કે તેના મોટા ભાગના સ્ટન્ટ તે પોતે કરવામાં માને છે. સોની સબ પર આવતા ‘અલીબાબા – એક અંદાઝ અનદેખા : ચૅપ્ટર 2’માં તે અલીનું પાત્ર ભજવી રહ્યો છે. તે લોકોને ખરાબ લોકોથી બચાવતો હોય છે. અભિષેકની એન્ટ્રી થતાં શોમાં નવી ચૅલેન્જ આવી રહી છે અને એ વધુ ઇન્ટેન્સ બની ગયો છે. તેના સ્ટન્ટ અને એક્સરસાઇઝ વિશે વાત કરતાં અભિષેકે કહ્યું કે ‘હું શૂટિંગ પૂરું કરીને ઘરે જઈને દરરોજ એક્સરસાઇઝ કરું છું. મોટા ભાગના દિવસના શૂટ પૂરાં થતાં રાતે ૯ વાગી જાય છે, પરંતુ એમ છતાં હું એક કલાક તો કસરત કરવા માટે કાઢું જ છું. મેં જ્યારે શો સાઇન કર્યો હતો ત્યારે હું ખૂબ બીમાર હતો અને મારું ૬-૭ કિલો વજન ઓછું થઈ ગયું હતું, એથી શૂટિંગ શરૂ થયું ત્યારે મેં એ વાતની ખૂબ કાળજી રાખી હતી કે હું ફરી શેપમાં આવી જાઉં. આ શો માટે મેં કિક-બૉક્સિંગના ક્લાસ પણ લીધા હતા જેથી હું ફ્લેક્સિબલ રહી શકું.’
સ્ટન્ટ પર્ફોર્મ કરવા વિશે અભિષેકે કહ્યું કે ‘હું મોટા ભાગે મારા સ્ટન્ટ પોતે જ કરું છું. ભગવાનની કૃપાથી હું એ સરળતાથી કરી શકું છું. ઍક્રોબિક્સમાં મારું બૅકગ્રાઉન્ડ નથી, પરંતુ કિક મારવામાં અને જમ્પ મારવામાં ઘણી મજા આવે છે. હું હવે વધુ ઇન્ટેન્સિટીવાળાં ઍક્શન દૃશ્યો કરવા માટે તૈયાર છું. (મસ્તીમાં કહ્યું કે) હું નાનો હતો ત્યારે શેરડીથી તલવારબાજી કરતો હતો અને એ આજે મને કામ આવી રહ્યું છે.’