કૅન્સરથી પીડિત મહિલાઓને આપ્યો પૉઝિટિવ મેસેજ - તમે પણ આવું કરી શકો છો
હિના ખાન
હિના ખાન હાલમાં કૅન્સરની ટ્રીટમેન્ટ કરાવવાની સાથે જ કામ પર પણ ખાસ ધ્યાન આપી રહી છે. તેને જ્યારે નિદાન થયું કે તેને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ-કૅન્સર છે તો તેણે જાતે જ પોતાના હેર કટ કરવાનો નિર્ણય લીધો હતો. હવે એ જ વાળમાંથી તેણે વિગ બનાવી છે અને પોતાના વાળને ફરીથી જોઈને તેની ખુશી અપાર છે. એની નાનકડી વિડિયો-ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હિના ખાને કૅપ્શન આપી, ‘જે સમયે કૅન્સરનું નિદાન થયું ત્યારે જ મને જાણ થઈ કે હું મારા વાળ ગુમાવીશ. એથી મેં પોતાની મરજીથી વાળ કપાવી નાખ્યા હતા. વાળ હેલ્ધી, લાંબા અને વાઇબ્રન્ટ હતા એથી મેં મારા જ વાળની વિગ બનાવવાનું નક્કી કર્યું જેથી કપરા સમયમાં હું કમ્ફર્ટ અનુભવી શકું. હું એટલું જરૂર કહીશ કે મારા આ નિર્ણય પર મને ગર્વ છે. સાથે જ એ બહાદુર મહિલાઓ જે આ સંઘર્ષમાંથી પસાર થઈ રહી છે તેમને પણ ખાસ સંદેશ આપવા માગું છું. જો તમે મારા આ ફેંસલાથી સહમત હો તો તમે પણ આવું કરી શકો છો. એનાથી તમને પણ સારું લાગશે. આ વિગ પહેરીને મને મારા વાળ પાછા મેળવવાનો આનંદ થઈ રહ્યો છે. હું જાણું છું કે આ એક તબક્કો છે અને મારે એમાં નૉર્મલ રહેવાનું છે. મને લાગે છે કે તમારી સાથે શૅર કરવા માટે આ સ્ટોરી સારી રહેશે.’