ગુરમીત ચૌધરી અને તેની વાઇફ દેબિના બૉનરજીએ ૨૦૦૯માં આવેલી સિરિયલ ‘રામાયણ’માં રામ અને સીતાની ભૂમિકા ભજવી હતી.
ગુરમીત ચૌધરી
ગુરમીત ચૌધરી અને તેની વાઇફ દેબિના બૉનરજીએ ૨૦૦૯માં આવેલી સિરિયલ ‘રામાયણ’માં રામ અને સીતાની ભૂમિકા ભજવી હતી. આ રોલ ભજવવાની તક મળી એથી તે પોતાને નસીબદાર માને છે. એ વિશે ગુરમીતે કહ્યું કે ‘અમે નસીબદાર છીએ કે અમને વિશ્વના સૌથી મોટા એવા રામ અને સીતાનો રોલ ભજવવા મળ્યો. એનાથી મોટી બાબત કાંઈ ન હોઈ શકે. લોકો રામાયણ વાંચે છે જેથી એમાંથી કાંઈક શીખી શકે અને અમને તો એ પાત્ર ભજવવા મળ્યાં. એથી કલ્પના કરી શકો કે અમને શું શીખવા મળ્યું છે. મેં ૧૫ મહિના સુધી ‘રામાયણ’માં કામ કર્યું હતું. અમે દરરોજ ૧૨થી ૧૫ કલાક શૂટિંગ કરતાં હતાં. એથી તમે જ્યારે એ પાત્રો ભજવતા હો અને એ કૉસ્ચ્યુમમાં હો તો તમને કાંઈક તો શીખવા મળે જ છે. જોકે મને જ્યારે પણ પૂછવામાં આવે કે હું એમાંથી શું શીખ્યો તો એટલું જરૂર કહીશ કે જે લોકો ગુરમીતને જાણે છે તેમને ખબર છે કે હું કેટલો શાંત છું, કોઈની સાથે ઝઘડો કે ગુસ્સો નથી કરતો. આ બધું હું રામાયણમાંથી શીખ્યો છું. આ મારો પહેલો શો હતો અને ભગવાન રામજી પણ એવા જ હતા કે કોઈ પણ પરિસ્થિતિ હોય, હસતા રહો અને એનો ઉકેલ લાવો. એથી આ વસ્તુ હું તેમની પાસેથી શીખ્યો છું.’
અયોધ્યામાં ગઈ કાલે ખૂબ હર્ષોલ્લાસથી ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાનો પ્રસંગ પાર પડ્યો છે. અયોધ્યામાં એક ઊર્જા સમાયેલી છે એવું જણાવતાં ગુરમીતે કહ્યું કે ‘આ સ્થાને કોઈ તાકાત કે કોઈ ઊર્જા છે, કારણ કે બે વર્ષ પહેલાં જ્યારે હું અને દેબિના અહીં આવ્યાં ત્યારે મંદિર બની રહ્યું હતું. એ સમયે અમને એ ઊર્જાનો એહસાસ થયો હતો કે જ્યાં અનેક લોકો પ્રાર્થના કરવા આવતા હતા. તેમની પ્રાર્થના સાંભળવામાં આવી છે અને આશીર્વાદ મળ્યા છે. દિવાળી જેવો ઉત્સાહ દેખાય છે.’

