કોડમંત્ર નાટક દરમ્યાન આ અનુભવ ગુજરાતી રંગભૂમિના ઍક્ટર પ્રતાપ સચદેવને થયો અને તેમના માટે એ લાઇફની ગોલ્ડન મોમેન્ટ બની ગઈ. નાટક માટે અઢળક વખત ખોટું બોલનારા પ્રતાપ સચદેવ જેટલા ધીરગંભીર છે એટલા જ રમૂજી પ્રસંગો તેમના જીવનમાં બન્યા છે
કોડમંત્રના કર્નલના કૅરૅક્ટરમાં પ્રતાપ સચદેવ.
‘ખોટું બોલી-બોલીને, છૂપાછૂપી કરી-કરીને એટલા શો કર્યા છે કે વાત ન પૂછો. ખોટું બોલવું ખરાબ, પણ ખરું કહું તો મેં તો જે કર્યું એ રંગદેવતા માટે કર્યું. રંગભૂમિ મારાથી છૂટતી નહોતી અને હું નાટકિયો છું એવી ખબર પડે તો લોકો સ્વીકારવા તૈયાર નહીં એટલે મારે નાછૂટકે ખોટું બોલવું પડતું. ખોટું બોલવામાં ક્યારેક તો એવી હાલત થઈ છે કે કાપો તો પણ લોહી ન નીકળે...’
‘કોડમંત્ર’, ‘આ ફૅમિલી ફન્ટાસ્ટિક છે’, ‘પપ્પા છેને!’ જેવાં અદ્ભુત નાટકો અને ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’, ‘બેટી’, ‘કસૌટી ઝિંદગી કી’ જેવી અનેક ટીવી-સિરિયલોના સિનિયર ઍક્ટર પ્રતાપ સચદેવ સાથે વાત કરતી વખતે તમારામાં પણ આપોઆપ ઉત્સાહનું સિંચન થવા માંડે. ઍક્ટર સામાન્ય રીતે પોતાની ઉંમર છુપાવે, પણ પ્રતાપભાઈ ગર્વથી કહે કે મને ૭૪ વર્ષ થયાં. પ્રતાપભાઈ કહે છે, ‘હું તો મજાકમાં બધાને કહેતો પણ રહું કે કાળા વાળ કરવાના અનેક રસ્તા છે પણ વાળ સફેદ કરવાનો એક જ રસ્તો છે, તમારે ખૂબબધું જીવવું પડે અને અનુભવો સાથે ટિચાવું પડે. હું ખુશ છું કે આ ઉંમરે પણ દિવસમાં ત્રણ-ત્રણ શો કરી શકું છું, માઇક ન હોય તો પણ છેલ્લી લાઇન સુધી મારો અવાજ પહોંચાડી શકું છું. મારી તો ઇચ્છા છે કે હું લોકોની પ્રેરણા બનું કે ૭૪ વર્ષે પણ કામ થઈ શકે. ઘણી વાર હું સ્ટેજ પરથી પણ મારી ઉંમર કહું, એવા સમયે મારી દીકરીઓ મારા પર ગુસ્સે પણ થાય કે એવું નહીં કરો પપ્પા, કોઈની નજર લાગશે...’
ADVERTISEMENT
બન્ને દીકરી, બન્ને જમાઈ અને દોહિત્રી સાથે પ્રતાપ સચદેવ અને ભારતી સચદેવ.
સાવ અનાયાસ રંગભૂમિ પર આવી ગયેલા પ્રતાપ સચદેવનું માનવું છે કે તેમની લાઇફમાં નાટકો લઈ આવવાનું કામ દેશી ઘીએ કર્યું છે.
ઘી અને જૂની રંગભૂમિ
ઘોઘારી લોહાણા સમાજનાં કાન્તિભાઈ અને ભાનુબહેન સચદેવને બે દીકરા અને એક દીકરી, એમાં વચ્ચેનો નંબર પ્રતાપભાઈનો. પ્રતાપભાઈના પપ્પાને ઘીનું કામકાજ. વાંકાનેર અને વંથલીનું દેશી ઘી એ સમયે પણ બહુ વખણાય. કાન્તિભાઈ ત્યાંથી ઘી મગાવે અને મુંબઈમાં એનો વેપાર કરે. પ્રતાપભાઈ કહે છે, ‘જૂની રંગભૂમિના ઘણા
કલાકાર-દિગ્દર્શકો બાપુજી પાસેથી ઘી લેતા એટલે તેમને સારી દોસ્તી, જેને લીધે ઘરમાં નાટકના પાસ આવે અને બાપુજી અમને નાટક જોવા લઈ જાય. આ કારણે કદાચ મારામાં નાટકનો કીડો જન્મ્યો હશે એવું મને લાગે છે, બાકી સાત પેઢીમાં કોઈને નાટક કે ઍક્ટિંગ સાથે નિસબત નહીં.’
સી. પી. ટૅન્ક પાસે બીજી પાંજરાપોળ ગલીની સામે આવેલા રેશમવાળા બિલ્ડિંગમાં પ્રતાપભાઈનું નાનપણ પસાર થયું તો આઇડિયલ હાઈ સ્કૂલમાં એજ્યુકેશન. પ્રતાપભાઈ કહે છે, ‘સ્કૂલમાં સંખેરિયાસાહેબ હતા, તેમને નાટકોનો શોખ એટલે અમારી પાસે તે નાટકોની પ્રૅક્ટિસ કરાવે. એક વાર એવું બન્યું કે આખી સ્કૂલનું ધ્યાન મારા પર ગયું. થયું એવું કે એક નાટક હતું, જેમાં અમારે રીડિંગ કરવાનું હતું. નાટકની સ્ક્રિપ્ટમાં લખાઈને આવ્યું કે ‘રા.રા. કુબેર ભંડાર’. હું તો આમ જ બોલી ગયો એટલે મને સાહેબે રોક્યો અને કહ્યું કે આ ‘રા.રા.’ એટલે શું ખબર છે? મેં તો ફટાક દઈને કહી દીધું, ‘રાંડી રાંડના...’ અને હાજર હતા એ બધા ખડખડાટ હસી પડ્યા. તરત જ મને કહેવામાં આવ્યું કે ‘રા.રા. એટલે
‘રાજ રાજેશ્વરી’, પણ એ દિવસથી હું બધાની નજરમાં આવી ગયો.’
અંધેરી-ઈસ્ટમાં આવેલી ચિનાઈ કૉલેજમાં પ્રતાપ સચદેવે BCom કર્યું. કૉલેજ દરમ્યાન તેમણે કૉમ્પિટિશનમાં અનેક એકાંકીઓ કર્યાં અને ઇનામો પણ મેળવ્યાં. આ એ દિવસોમાં જેમાં જાણીતા ઍક્ટર વિજય દત્ત અને મુક્તા દત્તે ન્યુકમર્સને તૈયાર કરવાનું બીડું ઝડપ્યું અને કુલ ૧૩ કલાકારોને પસંદ કર્યા, જેમાં ફાઇનલમાં ચાર કલાકાર બાકી રહ્યા અને એ કલાકારોના જીવનમાં રંગભૂમિ દાખલ થઈ. પ્રતાપ સચદેવ કહે છે, ‘એ જ અરસામાં લાલુભાઈ શાહની બહુરૂપી સંસ્થામાં નાટક ‘વાયદાના ફાયદા’ કર્યું, જે મારું પહેલું નાટક પણ હું નાટકમાં કામ કરું છું એની ઘરમાં કોઈને ખબર નહીં. એ સમયે વાતાવરણ પણ એવું નહીં કે સમાજ આ પ્રકારનું કામ સરળતાથી સ્વીકારે.’
ભાંડો ફૂટ્યો પહેલી વાર...
નાટકનાં રિહર્સલ્સમાં જવાનું હોય એટલે પ્રતાપ સચદેવ ઘરે બાપુજીને એવું કહી દેતા કે તે નામું લખવા માટે જાય છે. નૅચરલી બાપુજીને વાંધો ન હોય, પણ એક વખત બન્યું એવું કે ઘરે આખો ભાંડો ફૂટી ગયો. પ્રતાપભાઈને વાત કરતાં આજે પણ હસવું આવે છે, ‘બન્યું એવું કે પપ્પાના કોઈ ભાઈબંધ, તે નાટકના શોખીન અને તેમણે મારું નામ પેપરમાં વાંચ્યું. પહેલાં તો તેમને એવી કોઈ શંકા ગઈ નહીં પણ નાટક જોયા પછી ખાતરી થઈ ગઈ કે આ તો કાન્તિભાઈનો છોકરો. તેમણે ઘરે જઈને પપ્પાને વાત કરી અને રાતે બાપુજીએ મારી ધૂળ કાઢી નાખી. મેં બધું ચૂપચાપ સાંભળી લીધું અને પછી સવારે તેમને રિક્વેસ્ટ કરીને કહ્યું કે એક વાર તમે જોવા આવો, જો તમને શરમજનક લાગે તો મને કહી દેજો, હું કામ છોડી દઈશ. બાપુજી નાટક જોવા આવ્યા અને ત્યાં તેમણે મારું કામ જોયું. તેમને કામ તો ગમ્યું પણ સૌથી વધારે ગમ્યું એ કે નાટક પછી મને ત્રીસ રૂપિયાનું કવર મળ્યું. તેમને થયું કે ચાલો, પૈસા તો કમાય છે એટલે તેમણે મને નાટક કરવાની હા પાડી. પણ શરત એ કે કોઈને કહેવાનું નહીં. આ વાત મેં છેક મારી સગાઈ સુધી પકડી રાખી.’
ભારતીબહેન સાથે પ્રતાપભાઈનાં અરેન્જ્ડ મૅરેજ છે. છોકરો તાતામાં નોકરી કરે છે એટલે ફટાક દઈને છોકરી તો મળી ગઈ, પણ એક વખત બન્યું એવું કે બિરલા માતુશ્રીમાં નાટકનો શો અને સાળો અને ફિયાન્સી બીજાં સગાંઓની સાથે નાટક જોવા પહોંચ્યાં અને સ્ટેજ પર પ્રતાપભાઈની એન્ટ્રી થઈ. માર્યા ઠાર. બધાં ઓળખી ગયાં. પ્રતાપભાઈ કહે છે, ‘કોઈનામાં બોલવાના હોશ નહોતા રહ્યા. નાટક પૂરું થયું. પછી એ લોકો મારી પાસે આવ્યા. હું પણ શરમાયો કે હું ખોટું બોલ્યો, પણ મેં તેમને કહ્યું કે આ મારો શોખ છે ને મને કામ કરવું ગમે છે એટલે કરું છું. મારી બધી વાત સાંભળીને મને સાળાએ ધીમેકથી પૂછ્યું આ નાટક-ચેટક તો ઠીક છે પણ તાતાની નોકરીનું શું, એ સાચું છે કે નહીં? મેં કહ્યું કે તમે કાલે મારી ઑફિસ આવીને ચેક કરી લો, હું જે બોલ્યો છું એ બધું સાચું જ બોલ્યો છું. પછી તેમને હૈયે ધરપત થઈ કે બહેન સાવ તો દુખી નહીં થાય.’
પોતે નાટક કરે છે એ વાત તો પ્રતાપભાઈએ પોતાની કંપની તાતા ઇન્ટરનૅશનલમાં પણ છુપાવવી પડી હતી. એક વાર એવું બન્યું કે સુરતમાં નાટકનો શો અને પ્રતાપ સચદેવ શો માટે સુરત ગયા જ્યાં તેમની સાથે જ કામ કરતા ફિરદોસ મહેતા નામના એક અધિકારી તેમને જોઈ ગયા. ઇન્ટરવલમાં તે પ્રતાપભાઈને મળવા ગયા. પ્રતાપભાઈ કહે છે, ‘હું તો બીમારીના નામે રજા લઈને શો કરવા ગયો હતો. મારી તો પગ પકડવા સુધીની તૈયારી હતી પણ પારસી માણસ, તેમણે વાતને સારી રીતે લીધી અને કહ્યું કે ચિંતા નહીં કર ડીકરા, સારું કામ કરે છે, મચ્યો રહે...’
વર્ષ ૨૦૦૦ સુધી તાતા કંપની સાથે જોડાયેલા રહ્યા પછી પ્રતાપભાઈએ વૉલન્ટરી રિટાયરમેન્ટ લીધી અને પછી તે ફુલટાઇમ ઍક્ટિંગમાં આવી ગયા. પ્રતાપભાઈ કહે છે, ‘હું તો પહેલાં જ જૉબ છોડવા તૈયાર હતો પણ દીકરી અંકિતાનાં લગ્ન થઈ ગયાં હતાં અને ધારાનાં મૅરેજ બાકી હતાં એટલે બધા મને સમજાવતા કે તાતા ગ્રુપનું નામ છે તો છોકરો સારો મળી જશે એટલે થોડો સમય ખેંચી લે, મેં સમય ખેંચી લીધો અને પછી ધારાએ જ સામેથી છોકરો શોધીને અમારી સામે મૂક્યો એટલે હું એ જવાબદારીમાંથી પણ મુક્ત થયો.’
કાંદિવલી-વેસ્ટમાં નિર્મલા કૉલેજ પાસે રહેતા પ્રતાપભાઈની મોટી દીકરી અંકિતા બોરીવલીમાં રહે છે. પ્રોફેશનલી તે ટીચર છે તો પ્રતાપભાઈની નાની દીકરી ધારા દુબઈ સેટ થઈ છે. ધારા એમિરેટ્સ ઍરવેઝ સાથે છે.
સૌથી અઘરું નાટક
૪૦થી વધુ નાટક, એટલી જ ટીવી-સિરિયલ અને વીસથી વધુ ગુજરાતી-હિન્દી ફિલ્મો કરી ચૂકેલા પ્રતાપ સચદેવની કરીઅરનું સૌથી પૉપ્યુલર નાટક જો કોઈ હોય તો એ છે ‘કોડમંત્ર’, આ જ નાટક પ્રતાપભાઈ માટે અઘરું પણ રહ્યું. પ્રતાપભાઈ કહે છે, ‘એ સમયે હું સંજય ગોરડિયાની ટીવી-સિરિયલ કરતો હતો. મને ડિરેક્ટર રાજુ જોષીનો ફોન આવ્યો અને મેં નાટક માટે હા પાડી. હું સાંજે મળવા ગયો ત્યારે ખબર પડી કે નાટકમાં મારો રોલ કર્નલનો છે અને પંદર દિવસમાં નાટક ઓપન કરવાનું છે. એ લોકો છેલ્લા એક મહિનાથી રિહર્સલ્સ કરતા હતા. મેં થોડું જોયું, સમજ્યું પણ પહેલી વાર હું બ્લૅન્ક થયો એટલે બીજા દિવસે મળવાનું કહી હું ત્યાંથી નીકળી ગયો. બીજા દિવસે હું રાજુને ખૂણામાં વાત કરવા લઈ ગયો અને આખી ટીમ ભેગી થઈ ગઈ. મને થોડા સમય પછી ખબર પડી કે હું જે રોલ કરું છું એ રોલ ઑલરેડી છ-સાત મોટા અને દિગ્ગજ એવા ઍક્ટર કોઈ ને કોઈ કારણોસર છોડી ગયા હતા. એ રોલ મારે મારી ઉંમર કરતાં ઑલમોસ્ટ પચીસ વર્ષ નાના કૅરૅક્ટરનો કરવાનો હતો. આર્મી-મૅન અને એ પણ મિડલ-એજના એટલે નૅચરલી તેની બૉડી-લૅન્ગ્વેજ પણ એવી હોય. મારા માટે એ રોલ ડગલે ને પગલે ચૅલેન્જિંગ રહ્યો. બેચાર વાર નહીં, મને મિનિમમ પંદર-વીસ વખત થયું કે હું નાટક છોડી દઉં પણ ખબર નહીં કેમ, નાટક સાથે જોડાયેલો રહ્યો અને એ નાટકે હિસ્ટરી સર્જી દીધી.’
નાટક સાથે જોડાયેલો એક કિસ્સો શૅર કરતાં પ્રતાપભાઈ કહે છે, ‘એક શોમાં મારી પાસે રિયલ કર્નલ આવ્યા અને આવીને તેમણે હાથ મિલાવીને મને પૂછ્યું કે તમે કયા ફ્રન્ટ પર ડ્યુટી કરતા હતા? મારા માટે આ વાત બહુ મહત્ત્વની હતી. મેં મારી રિયલ ઓળખાણ આપી, જે તેમના માટે શૉકિંગ હતું. તેમણે મને સૅલ્યુટ આપી અને કહ્યું કે આ સ્તરનું કામ રિયલ આર્મી-મૅન સિવાય કોઈ કરી જ ન શકે. હું માનું છું કે આ મારી નહીં, મારા ડિરેક્ટર અને મારા રાઇટરની કમાલ હતી.’
એક રિગ્રેટ અને હવે એ પણ નહીં
જૉબ, નાટક, સિરિયલ અને એ બધા વચ્ચે ફૅમિલીને ઓછો સમય આપવો. ખાસ કરીને જીવનસંગિની એવાં ભારતીબહેનને. આ એક વાતનો અફસોસ પ્રતાપ સચદેવને હંમેશાં રહેતો. જોકે છેલ્લાં ત્રણેક વર્ષમાં એ અફસોસ પણ હવે ઓછો થઈ ગયો છે. પ્રતાપભાઈ કહે છે, ‘મારે બે દીકરીઓ છે. બન્નેનાં મૅરેજ થઈ ગયાં છે. હવે ઘરમાં હુતો-હુતી બે જ મેમ્બર એટલે ઘણી વાર અચાનક એવો વિચાર આવી જાય કે બેમાંથી એક ઓછું થયું તો? આ જ વિચારના કારણે મનમાં આવ્યું કે જેટલું વધારે સાથે જીવી શકાય એટલું જીવી લઉં અને મેં એ દિશામાં કામ શરૂ કરી દીધું.’
હવે ગમે એવી મોટી કે તગડી ઑફર હોય તો પણ પ્રતાપભાઈ ટીવી-સિરિયલ કરતા નથી. ફિલ્મ મુંબઈમાં હોય તો જ કરવાની, આઉટડોર શૂટ માટે જવાનું નહીં એ પણ તેમનો નિયમ છે. પ્રતાપભાઈ કહે છે, ‘સવારના સાડાછ વાગ્યે જાગીને અમે બન્ને સાથે નાસ્તો કરીએ. બપોરે સાથે જમીએ અને સાંજે સાડાસાત સુધીમાં બન્ને સાથે ડિનર લઈએ. વીકમાં એકાદ વાર ફિલ્મ જોવા જઈએ. કશું ન હોય તો એમ જ વૉક માટે સાથે જઈએ. આ બધું કરું છું ત્યારે મને થોડી સાંત્વના મળે છે કે જેણે મારા માટે આખી લાઇફ ઘસી નાખી તેને હું થોડો સમય આપી શકું છું. હું બધાને કહીશ, પ્લીઝ તમારી ફૅમિલીને અને ખાસ કરીને તમારી વાઇફને સમય આપજો. એ કશું નથી માગતી, બસ તમારી સાથે થોડું રહેવા માગે છે અને આપણે પૈસા મળતા હોઈએ એ જગ્યાએ ભાગતા રહીએ છીએ. સાહેબ, આ તો વાઇફ બિચારી સારી છે કે તે આપણને પગાર ઑફર નથી કરતી.
જો એક વાર તે નોકરીએ રાખવાનું શરૂ કરે તો બધા પુરુષોને તેની ઔકાત ખબર પડી જાય...’

