‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં બાવરીના રોલમાં જોવા મળેલી મોનિકા ભદોરિયાએ જણાવ્યું કે આ શોમાં એટલો તો તનાવ હતો કે તેને સુસાઇડ કરવાના વિચાર આવતા હતા
મોનિકા ભદોરિયા
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં બાવરીના રોલમાં જોવા મળેલી મોનિકા ભદોરિયાએ જણાવ્યું કે આ શોમાં એટલો તો તનાવ હતો કે તેને સુસાઇડ કરવાના વિચાર આવતા હતા. શોના પ્રોડ્યુસર અસિતકુમાર મોદીના ખરાબ વર્તનનો સૌપ્રથમ ખુલાસો આ શોમાં મિસિસ સોઢીનો રોલ કરનાર જેનિફર મિસ્ત્રીએ કર્યો છે. હવે પોતાની સાથે થયેલો કડવો અનુભવ જણાવતાં મોનિકાએ કહ્યું કે ‘મેં આખી રાત હૉસ્પિટલમાં પસાર કરી હતી અને તેમણે મને વહેલી સવારે શૂટિંગ માટે બોલાવી હતી. મેં તેમને જણાવ્યું હતું કે મારી સ્થિતિ એવી નથી કે હું કામ કરી શકું. આમ છતાં તેમણે મને સેટ પર આવવાનું દબાણ કર્યું હતું. સૌથી ખરાબ વાત તો એ હતી કે સેટ પર પહોંચ્યા બાદ પણ મને રાહ જોવડાવી અને મારી પાસે કાંઈ કામ નહોતું. હું ફૅમિલીમાં ઘણી ટ્રૅજેડીમાંથી પસાર થઈ હતી. મારી મમ્મી અને દાદીનાં થોડા જ સમયગાળામાં અવસાન થયાં હતાં. તે બન્ને મારી લાઇફનો આધારસ્તંભ હતાં અને તેમણે મારો ઉછેર ખૂબ સારી રીતે કર્યો હતો. તેમના અવસાનના શોકમાંથી હું બહાર નહોતી આવી શકી. એવા સમયે પણ હું ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરી રહી હતી, જે મારા માટે ટૉર્ચર જ હતું. આ બધાથી કંટાળીને મને સુસાઇડ કરવાનો વિચાર આવતો હતો. શોના મેકર્સ એમ કહેતા હતા કે ‘તેના પિતાનું અવસાન થયું તો અમે પૈસા આપ્યા હતા. તેની બીમાર મમ્મીની સારવાર માટે અમે પૈસા આપ્યા હતા.’ તો આ બધી વાતો સાંભળીને ખૂબ તકલીફ થતી હતી. પૈસા પણ જરૂરી છે, પરંતુ આત્મસન્માનથી વધુ નથી.’