જેનિફરે શોના પ્રોડ્યુસર અસિતકુમાર મોદી પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂકીને સૌને ચોંકાવી દીધા છે
જેનિફર મિસ્ત્રી બન્સીવાલ
જેનિફર મિસ્ત્રી બન્સીવાલનું કહેવું છે કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં બે-ચાર લીડ ઍક્ટર્સને છોડીને સેટ પર સૌને માનસિક ત્રાસ આપવામાં આવે છે. આ શોમાં તે રોશન સિંહ સોઢીના રોલમાં દેખાતી હતી. આ સિરિયલમાં તારક મહેતાના રોલમાં શૈલેશ લોઢા દેખાતો હતો અને તેણે પણ ઘણા સમય પહેલાં આ શોને છોડી દીધો છે. હાલમાં જ શોના ડિરેક્ટર માલવ રાજડાએ પણ શોને અલવિદા કહ્યું છે. જેનિફરે શોના પ્રોડ્યુસર અસિતકુમાર મોદી પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂકીને સૌને ચોંકાવી દીધા છે. હવે વધુ જણાવતાં જેનિફરે કહ્યું કે ‘મને એહસાસ થયો કે પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી મારી સાથે બદલો લઈ રહ્યો છે, કેમ કે મારે પાસપોર્ટ ઑફિસ જવા માટે ત્રણ કલાકની રજા જોઈતી હતી. બાદમાં મેં તેને ચેતવણી પણ આપી હતી કે મહિલાઓ સાથે માનભેર વાત કરવામાં આવે. એના માટે તેણે મારું અડધા દિવસનું પેમેન્ટ કટ કર્યું અને મારો પગાર પણ અટકાવ્યો હતો. તેનો અહંકાર વધવા લાગ્યો. એવું તો અનેક વખત થયું છે. આઠ મહિના અગાઉ મારા નાના ભાઈનું અવસાન થયું હતું. તે મારી ખૂબ નજીક હતો. મારા મામાનું ઘર આર્થિક રીતે સધ્ધર નહોતું. મારી મમ્મી વૃદ્ધ છે. મારી બહેન માનસિક રીતે અસ્વસ્થ છે. મારી ૩૯ વર્ષની કઝિન વિડો છે અને તેની મમ્મી છેલ્લાં બાવીસ વર્ષથી પૅરૅલાઇઝ્ડ છે. મારા ભાઈના અવસાનના આઠ દિવસ બાદ જાણ થઈ કે તેની પત્ની પ્રેગ્નન્ટ છે. આ બધી વસ્તુ મેં અસિતજીને કહી અને તેમણે સોહેલને પૂછ્યું કે મારા ભાઈના અવસાનને કારણે હું કેટલા દિવસ હાજર નહોતી રહી? સોહેલે કહ્યું કે ૭ દિવસ. એથી અસિતે કહ્યું કે તેને ૭ દિવસનો પગાર આપી દો. એથી હું અસિતજીને પગે લાગી હતી, કારણ કે મેડિકલ ખર્ચાઓને કારણે મારું બૅન્ક-અકાઉન્ટ ખાલી થઈ ગયું હતું. જોકે સોહેલે મારા પર કટાક્ષ કરતો હતો કે ‘તેનો ભાઈ મર્યો છે, પૈસા આપણે આપ્યા છે. પ્રોડક્શનને નુકસાન થયું છે, પરંતુ તેને પૈસા આપવામાં આવ્યા છે.’ મારી પાસે સાક્ષીઓ પણ છે જેમણે આ બધું સાંભળ્યું અને જોયું હતું. આવું અનેક વખત બન્યું છે. એની તો કલ્પના પણ ન કરી શકો. શોના બે કે ચાર મુખ્ય ઍક્ટર્સને બાકાત કરતાં સેટ પર સૌને માનસિક ત્રાસ આપવામાં આવે છે. કોઈ કાંઈ બોલવા તૈયાર નથી કેમ કે તેઓ હજી પણ શોમાં કામ કરે છે. હું પણ ઘણાં વર્ષોથી દબાણમાં હતી. લોકો મને પૂછે છે કે ૧૫ વર્ષ બાદ હવે શું કામ આ વિશે કહે છે? હવે મારામાં હિમ્મત આવી છે અને એથી હું હમણાં આ બધું કહી રહી છું. આ માત્ર અસિત મોદીની વિરુદ્ધમાં નથી. આ તો સોહેલે જે મને અતિશય માનસિક ત્રાસ આપ્યો એની વિરુદ્ધમાં છે. જતિન બજાજે પણ મારી સાથે ખરાબ રીતે વાત કરી હતી. હું મૉલદીવ્સમાં હતી. મને શૂટિંગ માટે અધવચ્ચેથી બોલાવવામાં આવી હતી અને એ પણ માત્ર લસ્સી પીવાના એક સીન માટે. બાદમાં વીસ દિવસ સુધી હું ઘરે જ બેઠી રહી. આવું તો અનેક લોકો સાથે થયું છે. હવે એ જોવું રહ્યું કે કોણ બોલે છે.’