ધર્મેન્દ્ર સૌથી વધુ ફ્લર્ટ કરતા હતા
ધર્મેન્દ્ર સૌથી વધુ ફ્લર્ટ કરતા હતા
દિગ્ગજ કલાકારો જયા પ્રદા અને રાજ બબ્બર ‘ધ કપિલ શર્મા શો’ના આગામી એપિસોડમાં મહેમાન તરીકે જોવા મળશે. ‘ભૂત અંકલ : તુસી ગ્રેટ હો’ નામની હૉરર-કૉમેડી ફિલ્મથી જયા પ્રદા પંજાબી ફિલ્મોમાં ડેબ્યુ કરવાનાં છે જેમાં રાજ બબ્બર પણ છે. જયા પ્રદા અને રાજ બબ્બર આશરે ૨૦ વર્ષ બાદ સાથે અભિનય કરી રહ્યાં છે અને આ ફિલ્મને પ્રમોટ કરવા આખી ટીમ ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચી ગઈ હતી. દર વખતની જેમ કપિલ શર્માએ જયા પ્રદા અને રાજ બબ્બરને રસપ્રદ સવાલો પૂછ્યા છે એટલે આ એપિસોડમાં કેટલીક અજાણી ફિલ્મી વાતો દર્શકોને જાણવા મળવાની છે.
કપિલ શર્માએ જ્યારે જયા પ્રદાને પૂછ્યું કે એ સમયે સૌથી વધુ ફ્લર્ટ કોણ કરતું હતું? ત્યારે રાજ બબ્બરે કહ્યું, ‘ભાઈ હું તો શરીફ હતો! આના જવાબમાં જયાએ કહ્યું કે ‘ધર્મેન્દ્ર જે-તે વખતે બહુ ફ્લર્ટ કરતા હતા. આ સાંભળીને કપિલ સહિત સેટ પર હાજર રહેલા દરેક લોકો અચંબામાં પડી ગયા હતા. ૭૦ અને ૮૦ના દાયકામાં જયા પ્રદા અને ધર્મેન્દ્રએ ‘ઇન્સાફ કૌન કરેગા’, ‘ફરિશ્તે’, ‘મર્દોંવાલી બાત’, ‘કુંદન’, ‘કયામત’ વગેરે ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ એપિસોડનું ટેલિકાસ્ટ આ વીક-એન્ડમાં થશે જેમાં કૃષ્ણા અભિષેક જિતેન્દ્રના ગેટ-અપમાં જોવા મળશે.

