‘ડીઆઇડી લિટલ માસ્ટર’ના સેટ પર સોનાલી બેન્દ્રે માટે મમ્મીની સ્પેશ્યલ ટ્રીટ
ફાઇલ તસવીર
સોનાલી બેન્દ્રેની મમ્મીએ ‘ડીઆઇડી લિટલ માસ્ટર’ના સેટ પર દીકરીને સરપ્રાઇઝ આપી હતી. આ શોમાં સ્પર્ધકો દ્વારા મધર્સ ડે સ્પેશ્યલ એપિસોડનું શૂટ કરવામાં આવ્યું હતું. આ પાંચમી સીઝનમાં સોનાલી બેન્દ્રે જજની ભૂમિકામાં છે. આ જજ દ્વારા સ્પર્ધક અપ્પુ અને અદ્યાશ્રીની મમ્મીને બોલાવીને તેમને સરપ્રાઇઝ આપવામાં આવી હતી. જોકે સોનાલીને પણ એક સરપ્રાઇઝ મળી હતી. સોનાલીની મમ્મીએ વિડિયો કૉલ દ્વારા આ શોમાં હાજરી આપી હતી. આ વિશે સોનાલી બેન્દ્રેએ કહ્યું હતું કે ‘મારી મમ્મીને આ માટે તમે કેવી રીતે મનાવી હતી એ માટે હું ઘણી અવાચક છું. તેમણે આજ સુધી કોઈ શોમાં હાજરી નથી આપી તો આજ સુધી સેટ પર મને મળવા પણ નથી આવ્યાં. મારા બાળપણથી મને તેમણે એક જ વસ્તુ શીખવી છે કે ઇન્ડિપેન્ડન્ટ હોવું લાઇફમાં ખૂબ જ મહત્ત્વનું છે. મને યાદ છે કે મારી યુવાનીમાં હું મારી મમ્મીને સેટ પર આવવા માટે કહેતી હતી, કારણ કે દરેકની મમ્મી આવતી હતી. જોકે મારી મમ્મીએ મને એક સવાલ કર્યો હતો જે મને આજે પણ યાદ છે. તેમણે મને પૂછ્યું હતું કે શું હું બીજી કોઈ ઑફિસમાં કામ કરતી હોત તો પણ તું મને ત્યાં લઈ ગઈ હોત? તેમના માટે મારી સેટની મુલાકાત કામ કરવા પૂરતી જ છે. મમ્મી અને મારી રિલેશનશિપને જણાવવા માટે મારી પાસે શબ્દો નથી. આ રિલેશનશિપની કોઈ ડેફિનેશન નથી. મારી જર્નીમાં તેઓ મારી ખૂબ જ મોટી સપોર્ટ સિસ્ટમ રહ્યાં છે. મારી મમ્મી જ નહીં, પરંતુ ગોલ્ડીની મમ્મી પણ મારી સપોર્ટ સિસ્ટમ રહી છે. મારી મમ્મી હંમેશાં મને ફરિયાદ કરતાં કે હું તેના કરતાં મારા પપ્પાને વધુ પ્રેમ કરું છું, પરંતુ એ સત્ય નથી. મને ખુશી છે કે તેમણે મારા માટે આજે આ કરવાનો નિર્ણય લીધો હતો.’