તપાસમાં સહકાર ન આપવાના લાગ્યા આરોપ
શીઝાન ખાન
તુનિશા શર્માના સુસાઇડના કેસમાં જેલના સળિયા પાછળ બંધ શીઝાન ખાનની જામીન અરજી કોર્ટે રદ કરી છે. શીઝાને જામીન માટે અરજી કરી હતી. વસઈ કોર્ટે એ ઑર્ડરમાં નોંધ્યું છે કે ૨૪ ડિસેમ્બરે સેટ પર તુનિશા અને શીઝાન વચ્ચે કંઈક તો વાતચીત થઈ હતી, જેના કારણે તુનિશાએ આવું પગલું ભરવું પડ્યું હતું. સાથે જ એવું પણ કહેવામાં આવે છે કે જો શીઝાન બહાર આવે તો તે આ કેસ સાથે જોડાયેલા સાક્ષીઓને ધમકાવી શકે છે અને તેમને સત્ય કહેતાં અટકાવી પણ શકે છે. સિરિયલ ‘અલીબાબા : દાસ્તાન-એ-કાબુલ’માં બન્ને લીડ રોલમાં હતાં. તુનિશાની મમ્મીએ કરેલી ફરિયાદના આધારે શીઝાનની ધરપકડ કરવામાં આવી છે. તુનિશા અને શીઝાન વચ્ચે અફેર હતું અને બાદમાં શીઝાને અચાનક તેની સાથે બ્રેકઅપ કર્યું હતું. એથી સેટના મેકઅપ રૂમમાં તેણે સુસાઇડ કરીને જીવન ટૂંકાવ્યું હતું. ઍડિશનલ સેશન જજ આર. ડી. દેશપાંડેએ કહ્યું કે ‘કસ્ટડીમાં તપાસ દરમ્યાન શીઝાન સહયોગ નથી કરી રહ્યો અને બપોરે બે વાગ્યાથી માંડીને પોણાત્રણ વાગ્યા સુધી બન્ને વચ્ચે શું વાતચીત થઈ એ વિશે તે કાંઈ કહેવા તૈયાર નથી. એથી તુનિશાના સુસાઇડ પાછળ આ જ એક મુખ્ય કારણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં નિષ્પક્ષ તપાસ કરવા માટે અપીલકર્તાને હજી થોડા સમય સુધી જેલમાં રાખવો હિતાવહ છે.’