બિગ બૉસ 16’માં તેની અને પ્રિયંકા ચહર ચૌધરીની કેમિસ્ટ્રીએ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું હતું અને લોકોને તેમની જોડી પણ ગમે છે.
અંકિત ગુપ્તા
‘બિગ બૉસ 16’માંથી એવિક્ટ થયેલા અંકિત ગુપ્તાને પણ કાસ્ટિંગ કાઉચનો અનુભવ થયો હતો. તેને કરીઅરમાં આગળ વધવા માટે કૉમ્પ્રોમાઇઝ કરવાની સલાહ આપવામાં આવી હતી. ‘બિગ બૉસ 16’માં તેની અને પ્રિયંકા ચહર ચૌધરીની કેમિસ્ટ્રીએ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું હતું અને લોકોને તેમની જોડી પણ ગમે છે. અંકિત ગુપ્તા હવે ટીવી સિરિયલ ‘ઝુનૂનિયત’માં દેખાવાનો છે. તેણે અત્યાર સુધી ‘બાલિકા વધૂ’, ‘બેગુસરાઈ’, ‘લાલ ઇશ્ક’, ‘કુંડલી ભાગ્ય’ અને ‘ઉડારિયાં’માં પણ કામ કર્યું છે. કરીઅરની શરૂઆતમાં તેને ખરાબ અનુભવ થયો હતો. લોકોએ તેને એમ જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે અને કામ મેળવવા માટે કૉમ્પ્રોમાઇઝ કરવાં જ પડે છે. સાથે જ તેને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે અનેક મોટા સ્ટાર્સ આ બધામાંથી પસાર થઈને જ સફળ થયા છે. તેને પણ જ્યારે કૉમ્પ્રોમાઇઝ કરવાનું કહેવામાં આવ્યું તો તે ચોંકી ગયો હતો. એથી તેણે એમ કહીને ના પાડી હતી કે તે આવો માણસ નથી. એ વિશે અંકિતે કહ્યું કે ‘તેમણે મને જણાવ્યું કે ‘જો તમે આ નથી કરવા માગતા તો કાંઈ વાંધો નથી, પરંતુ મને થોડો ટચ કરવા દો.’ આ સાંભળીને હું ચોંકી ગયો અને સમજી ન શક્યો કે આ બધું શું થઈ રહ્યું છે.’