મારી પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ‘બિગ બૉસ’ને કારણે ખૂબ ખરાબ અસર પડી છે : મધુરિમા તુલી
મધુરિમા તુલી
મધુરિમા તુલીએ ‘બિગ બૉસ’ની ૧૩મી સીઝનમાં હાજરી આપી હતી. આ શોને કારણે ઘણા ઍક્ટર્સની કરીઅર ફરી પાટા પર આવી જાય છે, પરંતુ મધુરિમાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં એની આડઅસર પડી છે. આ શોમાં તે તેના એક્સ-બૉયફ્રેન્ડ વિશાલ આદિત્ય સિંહ સાથે જોવા મળી હતી. શોમાં મધુરિમાએ ફ્રાય પૅન વિશાલને ફટકાર્યું હતું. આ દૃશ્ય ફરી ‘ખતરોં કે ખિલાડી 11’માં રીક્રીએટ કરવામાં આવ્યું હતું. આ દૃશ્યને કારણે મધુરિમા ખૂબ દુખી થઈ છે. તેણે વિડિયો શૅર કરીને પોતાની આપવીતી જણાવી છે અને ચૅનલને વિનંતી કરી છે કે આ ઘટનાને વારંવાર ન દોહરાવે. આ વિશે મધુરિમાએ વિડિયો શૅર કરીને કૅપ્શન આપી હતી, ‘કલર્સ ટીવીને ખૂબ જ રિક્વેસ્ટ કરું છું. મારી મમ્મી સવારથી રડી રહી છે. તેને ડાયાબિટીઝ છે અને તે સતત રડી રહી હોવાથી તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટના જે વ્યક્તિ સાથે થઈ હતી એની અને મારા સંબંધ વિશે એક પણ વાત કલર્સને નથી ખબર. ઘરના દરેક સંબંધમાં ઝેર ભરોવાયેલું હતું અને એ ઘરમાં દરેક વ્યક્તિએ ભૂલો કરી હતી. મહેરબાની કરીને મને એમાંથી બહાર નીકળવા દો. હું તમને વિનંતી કરું છું. આ વિડિયોને રિક્વેસ્ટ સમજજો અને મારી ફૅમિલીનાં ઇમોશન્સ સાથે વારંવાર-વારંવાર રમવાનું બંધ કરો. આભાર.’
આ વિશે પૂછતાં મધુરિમાએ કહ્યું હતું કે ‘આ બધાથી મારી પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને ખૂબ અસર થઈ છે.’

