ઍમેઝૉન પ્રાઇમની સિરીઝ માટે રાયમા સેનને આખી જિંદગી જેનો ડર લાગ્યો એ કામ તેણે કરવું પડ્યું
રાયમા સેન
બંગાળી અને હિન્દી ફિલ્મોમાં અઢળક કામ કરી ચૂકેલી અને છેલ્લે ઝીફાઇવની ‘બ્લૅક વિડોઝ’ તથા ‘ફોરબિડન લવ’માં દેખાયેલી બંગાળી બ્યુટી રાયમા સેન હવે ઍમેઝૉન પ્રાઇમની સિરીઝ ‘ધ લાસ્ટ અવર’માં જોવા મળવાની છે. ઉત્તમ કુમાર સાથે કામ કરનાર સુચિત્રા સેનની પૌત્રી અને મુનમુન સેનની દીકરી રાયમા સેન ૧૯૯૯થી એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે ઍક્ટિવ છે, પરંતુ તેણે તાજેતરમાં જણાવ્યું એ મુજબ તેને આજ સુધી સ્ક્રીન-ટેસ્ટ એટલે કે ઑડિશન આપવું નથી પડ્યું! ‘ધ લાસ્ટ અવર’માં તો રાયમાનું પાત્ર કલકત્તાનું જ હોય છે છતાં ડિરેક્ટર અમિત કુમારની ઇચ્છા હતી કે રાયમા ઑડિશન આપે. રાયમા સેન કહે છે, ‘આટલાં વર્ષોમાં મેં ક્યારેય સ્ક્રીન-ટેસ્ટ નથી આપી. જ્યારે મને ખબર પડી કે અમિતને મારા પાત્ર માટે ઑડિશન લેવું છે ત્યારે પહેલાં તો મેં અવગણ્યું, કેમ કે મને ઑડિશનનો રીતસરનો ફોબિયા છે. મેં નક્કી કરી લીધું કે આ સિરીઝ નહીં જ કરું, પણ પછી કોઈ પણ રીતે હિંમત એકઠી કરીને ઑડિશન આપ્યું.’ રાયમાએ જણાવ્યું કે ‘હું હંમેશાં ડિરેક્ટરનું વિઝન સમજવાની ટ્રાય કરું છું. એ સમજીને એમાં મારા વ્યક્તિગત વિચારો ઍડ કરું છું. ‘ધ લાસ્ટ અવર’નું મારું ન્યાયમાનું કૅરૅક્ટર પણ એ જ રીતે તૈયાર થયું છે.

