નવું કરવામાં તો મજા છે
આરિયા અગ્રવાલ
દંગલ ચૅનલના શો ‘રંજુ કી બેટિયાં’ની શ્વેતા યાદ છે? તોછડાઈ કરતી, ભારોભાર અભિમાન સાથે રહેતી અને કોઈને પણ મોઢા પર અપમાન ચોપડાવી દેતી શ્વેતાને જોઈને ભલભલાને ગુસ્સો આવી જાય છે અને આ ગુસ્સો જોઈને શ્વેતા બનતી આરિયા અગ્રવાલ રાજી-રાજી થઈ જાય છે. આરિયા કહે છે, ‘લોકોને ગુસ્સો અપાવવાનું તો કામ મારે કરવાનું છે. મને જ્યારે લીડ રોલ ઑફર થતો હતો ત્યારે પણ મેં એ જ કહ્યું હતું કે મારે કંઈક ચૅલેન્જિંગ કરવું છે. શ્વેતાના કૅરૅક્ટરે મને ચૅલેન્જ આપી છે અને એ ચૅલેન્જમાં જ મજા છે. ઍક્ટિંગની સાચી મજા એ કે જેમાં તમે નવું-નવું કરતા રહો અને તમારી જાતને એક્સપ્લોર કરો.’
આરિયાને સૌથી પહેલાં દંગલ ચૅનલના જ બીજા એક શોનો લીડ રોલ ઑફર થયો હતો પણ આરિયાએ એ કરવાની ના પાડી દીધી હતી. એ પછી જ્યારે તેને ‘રંજુ કી બેટિયાં’ની શ્વેતાનું કૅરૅક્ટર ઑફર થયું ત્યારે તેણે એ કૅરૅક્ટરની નેગેટિવનેસ જોઈને કરવાની હા પાડી દીધી.

