હવે રૂપાલી ગાંગુલી સાથે જોડાશે બે નવા કલાકારો
`અનુપમા`નું નવું પોસ્ટર
સ્ટાર પ્લસની સુપરહિટ ટીવી-સિરિયલ ‘અનુપમા’માં ટાઇમ-જમ્પ આવી રહ્યો છે. આ ઉપરાંત આ સિરિયલની મુખ્ય નાયિકા રૂપાલી ગાંગુલી સાથે બે નવા ઍક્ટર્સ પણ જોડાશે. આ નવા કલાકારો છે અલીશા પરવીન જે આધ્યાના પાત્રમાં જોવા મળશે અને એક છે શિવમ ખજૂરિયા જે આધ્યાના પ્રેમીની ભૂમિકા ભજવશે. આ ફેરફારો ૧૪ ઑક્ટોબરના સોમવારથી જોવા મળશે અને એના પ્રોમો પણ ચાલુ થઈ ગયા છે.
નવા પ્રોમોમાં અનુપમાની નવી સફર દેખાડવામાં આવી છે. એમાં તેનો નવો લુક દેખાય છે. તે ‘અનુ કી રસોઈ’ નામનો પોતાનો બિઝનેસ ચલાવી રહી છે. અનુપમા પોતાના પરિવાર વિશે વિચારે છે અને દીકરી આધ્યાને મળવા માગે છે. આ દરમ્યાન આધ્યા એક ટૂર-ગાઇડ બની ગઈ છે. પ્રેમનું પાત્ર ભજવતો શિવમ ખજૂરિયા આધ્યાને પહેલી વાર મંદિરમાં જોઈને તેને દિલ દઈ બેસે છે. આધ્યાના જીવનમાં આવેલી આ નવી વ્યક્તિ મા-દીકરીના સંબંધો સુધારી શકશે કે કેમ અને મા પોતાની દીકરીને મેળવી શકશે કે કેમ એ જોવાનો દર્શકોને ઇન્તેજાર રહેશે.