આઠ વર્ષ પહેલાં જે પ્રોડક્શન-હાઉસ સાથે કામ કર્યું હતું એની સાથે ફરી નવી શરૂઆત કરવા નિશા રાવલ ઉત્સુક છે : હંમેશાં ગ્લૅમરસ રોલ ભજવતી એ હવે નેગેટિવ પાત્રમાં જોવા મળી રહી છે
જહાં સે ખતમ, વહીં સે શુરૂ
નિશા રાવલ હવે ડિવૉર્સના ચક્કરમાંથી બહાર આવ્યા બાદ તેણે ફરી કામ શરૂ કર્યું છે. ઝીટીવી પર આવી રહેલા શો ‘મીત’માં તે જોવા મળી રહી છે. આ શોમાં તે મૌસમનું પાત્ર ભજવી રહી છે. આ શોમાં તે નેગેટિવ રોલમાં જોવા મળી રહી છે. આ વિશે નિશાએ કહ્યું કે ‘આઠ વર્ષ પહેલાં મે છેલ્લો શો શશી સુમીત પ્રોડક્શન સાથે કર્યો હતો અને હવે ટીવીમાં કમબૅક પણ હું આ જ પ્રોડક્શન-હાઉસ દ્વારા કરી રહી છું. આથી જ મારા માટે ‘મીત’ વધુ સ્પેશ્યલ છે. તેમની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ સારો રહ્યો છે અને એથી જ મારી કરીઅરમાં તેમની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે.
મારું પાત્ર વિલનનું છે, પરંતુ હું એમ નથી કહી રહી કે મૌસમની પર્સનાલિટી ત્રાસ આપે એવી છે. મારું માનવું છે કે દરેક વ્યક્તિએ દરેક પરિસ્થિતિને અલગ-અલગ રીતે હૅન્ડલ કરી છે અને એથી જ તેમના રીઍક્શન અલગ હોય છે. મૌસમમાં ઇનસિક્યૉરિટી છે અને એથી જ તે લોકોને વિલન દેખાય છે. દરેક પાત્રમાં અલગ-અલગ શેડ્સ હોય છે અને એથી જ આવું પાત્ર મળવું મારા માટે સારી વાત છે. મને હંમેશાં ગ્લૅમરસ રોલ જ ઑફર કરવામાં આવતા હતા, પરંતુ સારી વાત છે કે એમાં હવે બદલાવ આવ્યો છે.’