'ખતરો કે ખિલાડી' સિઝન 10ની વિજેતા બની કરિશ્મા તન્ના
'ખતરો કે ખિલાડી' સિઝન 10ની ટ્રોફી સાથે કરિશ્મા તન્ના
કર્લસ પર આવતા એક્શન આધારિત રિયાલીટી શો 'ખતરો કે ખિલાડી' સિઝન 10ની વિજેતા બની છે અભિનેત્રી કરિશ્મા તન્ના (Karishma Tanna). બહુ સમય બાદ કોઈ મહિલા સ્પર્ધકે આ શોની ટ્રોફી જીતી છે. આ ટાઈટલ જીતીને કરિશ્મા તન્ના બહુ જ ખુશ છે. રવિવારે રાત્રે શોનો ફિનાલે એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો. કરિશ્મા તન્ના સિવાય કરણ પટેલ (Karan Patel), ધર્મેશ યેલાન્ડે (Dharmesh Yelande) અને બલરાજ (Balraj) ફાઈનલિસ્ટ હતાં. આ સિઝન રોહિત શેટ્ટી (Rohit Shetty)એ હોસ્ટ કરી હતી.
ટ્રોફી જીત્યા બાદ કરિશ્માએ કહ્યું હતું કે, શોમાં સ્ટંટ કરતી વખતે મારી માતાના આર્શિવાદ હંમેશા મારી સાથે હતાં. જ્યારે પણ હું કોઈ સ્ટંટ કરતી ત્યારે મારી માતા મુંબઈમાં બેસીને મારી માટે પ્રાર્થના કરતી હતી અને આ જ બાબત મને દરેક સ્ટંટ કરવામાં હિમ્મત આપતી હતી.
ADVERTISEMENT
શોમાં આપવામાં આવતા ટાસ્ક વિશે કરિશ્માએ કહ્યું હતું કે, શો મુશ્કેલ તો નહોતો. પણ શરૂઆતમાં મને લાગ્યું હતું કે, હું આ શો નહીં કરી શકું અને આ શો મારા માટે નથી. પરંતુ જેમ જેમ સ્ટંટ કરતી ગઈ તેમ મને અહેસાસ થયો કે હું મારી જાતને પણ સાબિત કરી શકીશ. જો હું શાંત મન અને મગજથી કામ કરીશ તો ચોક્કસ મંઝિલ સુધી પહોંચી શકીશ અને એ જ થયું.
શોની ટ્રોફી જીતીને કરિશ્મા તન્નાએ સાબિત કર્યું છે કે, ખિલાડી ફક્ત પુરૂષો જ નથી હોતા. મહિલાઓ પણ હોઈ શકે છે. અભિનેત્રીએ કહ્યું હતું કે, પુરૂષોના ખિલાડી હોવાથી મને કોઈ તકલીફ નથી. કારણકે ભગવાને પુરૂષોને શારીરિક રીતે મજબુત બનાવ્યા છે અને મહિલાઓને ભાવનાત્મક રીતે. મેં નક્કી કર્યું હતું કે હું આ શો જીતું કે ન જીતું પરંતુ ટોપ 3 સુધી પહોંચીશ અને પુરૂષોને ટક્કર આપીશ. મેં મારી માનસિક અને શારીરિક તાકાત લગાડીને શો જીત્યો છે. સાથે જ મારી માતા અને ભગવાનના આર્શિવાદ હતા એટલે હું જીતી ગઈ છું.

