કેસ દાખલ કરતી વખતે પોલીસે જેનિફરને આવું કહ્યું હતું
ફાઇલ તસવીર
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર અસિત મોદી વિરુદ્ધ કેસ દાખલ કરવા જ્યારે જેનિફર મિસ્ત્રી બન્સીવાલ ગઈ તો પોલીસે જેનિફરને કહ્યું હતું કે ‘આપકી લાઇન મેં તો સેક્સી બુલાના ચલતા હૈ.’ સાથે જ અસિત મોદી સાથે તેને મુલાકાત કરવાનું પણ દબાણ કરવામાં આવ્યું હતું. એ વિશે જેનિફરે કહ્યું કે ‘પોલીસ-સ્ટેશનમાં મને પોલીસે મુલાકાત માટે બોલાવી હતી. શરૂઆતમાં તો મેં ના પાડી હતી, આમ છતાં હું સહમત થઈ હતી. હું ગઈ તો મારા પર ખોટા અને પાયાવિહોણા દસ આરોપો લગાવવામાં આવ્યા હતા.’
આટલું અધૂરું હોય એમ પોલીસે પણ તેની કનડગત કરી હતી. એ વિશે જેનિફરે કહ્યું કે ‘મેં જ્યારથી ફરિયાદ કરી ત્યારથી મને અલગ-અલગ પ્રકારે પરેશાન કરવામાં આવતી હતી. પોલીસે તો મને ત્યાં સુધી કહી દીધું કે ‘મૅમ, તમે કેસ શું કામ કરો છો? સાક્ષીઓ તો પલટી જાય છે. અરે મૅમ, આમાં તો ખૂબ સમય લાગે છે, પાંચ વર્ષ બાદ તારીખ આવે છે. તમને વારંવાર આવવું પડશે અને ખબર નહીં તમને ક્યારે બોલાવશે. આપકી લાઇન મેં તો સેક્સી બુલાના ચલતા હૈ.’ તેમણે આવી રીતે મારું મનોબળ તોડ્યું હતું. ત્રીજી જુલાઈથી માંડીને આજ દિન સુધી તેઓ મારી પાસે ઑડિયો પ્રૂફ માગે છે, એને ટ્રાન્સ્ક્રાઇબ કરીને મોકલવા કહે છે. એ ઑડિયો વીસ મિનિટનો છે અને તેઓ મારી પાસે દરેક શબ્દને ટ્રાન્સ્ક્રાઇબ કરવા માગે છે. એ ખરેખર પીડાદાયક હતું. કેસ પાછો લેવાનું મારા પર દબાણ નાખવામાં આવતું હતું. મેં કેસ પાછો નથી લીધો એથી તેઓ હવે મને ઑડિયો ટ્રાન્સ્ક્રાઇબ કરવા કહે છે અને પરેશાન કરે છે. મારો એફઆઇઆર પણ પૂરો નથી દાખલ કરવામાં આવ્યો. મને પૂરી ખાતરી છે કે એમાં સો ટકા તે સામેલ છે. હું જ્યારે પણ પોલીસ સ્ટેશનમાંથી પાછી ફરું છું તેઓ મને કૉલ કરે છે અને ખામીઓ જણાવે છે. એવું લાગે છે કે કોઈ તો તેને કૉલ કરી દે છે અને બાદમાં તેઓ મારી સાથે આવું વર્તન કરે છે.’