સિરિયલ શરૂ થાય એ પહેલાં ચાર ઍક્સિડન્ટ
ભાનુઉદય ગોસ્વામી
સ્ટાર પ્લસ પર પહેલી વાર ક્લોઝ-એન્ડેડ એટલે કે નિશ્ચિત એપિસોડની સિરિયલ ‘રુદ્રકાલ’ શરૂ થઈ રહી છે. ‘રુદ્રકાલ’ ઍક્શન-થ્રિલર છે. શોના હીરો ડેપ્યુટી પોલીસ કમિશનર રંજન ચિતોડ એટલે કે ઍક્ટર ભાનુઉદય ગોસ્વામીએ એકધારા સ્ટન્ટ કરવાના છે અને તે સ્ટન્ટ જાતે કરવા માગતો હતો પણ સિરિયલનું શૂટ શરૂ થયાને હજી તો માંડ એક વીક થયું છે ત્યાં સુધીમાં ભાનુને ચાર ઍક્સિડન્ટ એવા નડ્યા કે જેમાં તેને ઈજા થઈ. ભાનુ કહે છે, ‘બૉડી-ડબલ વાપરવાને બદલે રિયલિટીના હેતુથી મેં જાતે સ્ટન્ટ કર્યા. શૂટિંગના પહેલા જ દિવસે મારી સાથળમાં બ્લેડનો લાંબો ઘા પડ્યો તો બીજા દિવસે ત્રણ માળના બિલ્ડિંગ પરથી મારે નીચે જમ્પ કરવાનો હતો એમાં ઘૂંટણમાં ઈજા થઈ. ફાઇટના એક સીનના શૂટમાં બૅકમાં જોરથી લાઠી લાગી તો બીજી એક ફાઇટ સીક્વન્સમાં મારા માથા પર ઈજા થઈ. થૅન્ક ગૉડ કે એક પણ ઇન્જરી એવી નથી થઈ કે જેમાં અમારે શૂટિંગ અટકાવવું પડે કે પછી શોની ડેડલાઇનને ડૅમેજ થાય.’
શો ડેપ્યુટી પોલીસ કમિશનરના જીવનમાં બનતી એક ઘટનાની આસપાસ ફરે છે. રંજન ચિતોડના ગુરુનું મૃત્યુ થાય છે. થોડા સમય પછી ખબર પડે છે કે એ મૃત્યુ નહીં પણ હત્યા છે અને રંજન પોતાની રીતે એ હત્યારાને શોધવા નીકળે છે. શોધવાની આ જે જર્ની છે એ જર્ની ‘રુદ્રકાલ’ની કથા છે.

