વેબ -ફિલ્મ રિવ્યુ: છલાંગ- થોડા ભાષણ ટાઇપ હો ગયા...
ફિલ્મ રિવ્યુ: છલાંગ
હંસલ મેહતા અને રાજકુમાર રાવની જોડીએ ફરી દર્શકોને એન્ટરટેઇન કરવામાં સફળ રહ્યા છે. આ જોડીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને આ પહેલી વાર તેમણે એક કમર્શિયલ ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મમાં પહેલી વાર નુશરત ભરૂચા અલગ અવતારમાં જોવા મળી છે. લવ રંજન, અંકુર ગર્ગ, ભૂષણ કુમાર અને અજય દેવગન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘છલાંગ’ને હાલમાં જ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવી છે.
આ ફિલ્મમાં રાજકુમાર રાવે મહેન્દ્ર એટલે કો મોન્ટુ હૂડાનું પાત્ર ભજવ્યું છે જે હરિયાણાના એક નાનકડા ગામમાં પીટી ટીચર હોય છે. આ સ્કૂલમાં જ નીલિમા એટલે કે નીલુનું પાત્ર ભજવતી નુશરત ભરૂચા કમ્પ્યુટર ટીચર બનીને આવે છે. રાજકુમારને પીટીમાં કોઈ રસ નથી હોતો અને તે ખૂબ જ આળસુ હોય છે. તે સ્કૂલની બહાર પ્રેમી પંખીડાંઓને વૅલેન્ટાઇન્સ ડે ન મનાવવા માટે અને ભારતીય સંસ્કૃતિને બચાવી રહ્યો હોવાનું કહી ગુંડાગર્દી પણ કરતો હોય છે. આ દરમ્યાન તે એક ઉંમરલાયક કપલને પણ પકડે છે અને તેમનો ફોટો લોકલ ન્યુઝપેપરમાં પણ આપે છે. બદનસીબે આ કપલ નીલિમાનાં મમ્મી-પપ્પા હોય છે. આથી નુશરત અને રાજકુમાર રાવ વચ્ચે દુશ્મની વધે છે. નીલિમાને એક જ નજરમાં મોન્ટુ પ્રેમ કરી બેસે છે અને એથી તે તેની આસાપસ આંટા મારે છે. આ બધાની વચ્ચે તેમની સ્કૂલમાં સિનિયર કોચ ઇન્દર મોહન સિંહનું પાત્ર ભજવનાર મોહમ્મદ ઝીશાન અયૂબની એન્ટ્રી થાય છે. રાજકુમારના હાથમાંથી છોકરી અને નોકરી બન્ને જવાની હોય છે. ઇન્ટરવલ સુધી લવ ટ્રાયેન્ગલ પર ચાલતી આ ફિલ્મ ઇન્ટરવલ બાદ સ્પોર્ટ્સ ફિલ્મ બને છે.
ADVERTISEMENT
આ ફિલ્મની સ્ક્રિપ્ટ લવ રંજન, અસીમ અરોરા અને ઝીશાન કાદરીએ લખી હતી. તેમણે આ ફિલ્મને નહીં લવ સ્ટોરી કે નહીં સ્પોર્ટ્સ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ બેની વચ્ચે ઝૂલતી રહી છે. જોકે આમ છતાં એ જોવાની મજા આવે છે. ફિલ્મને થોડી ટૂંકી બનાવવાની જરૂર હતી. તેમ જ કેટલાંક પાત્રોને વધુ સમય આપી ડીટેલમાં જવાની જરૂર હતી. આઇ. એમ. સિંહ અને મોન્ટુ હૂડા વચ્ચેની તકરારને પણ વધુ ડીટેલમાં દેખાડવાની જરૂર હતી. ફિલ્મ ૧૩૬ મિનિટની હોવા છતાં તેમની વચ્ચેની લડાઈને ઉપરછલ્લી દેખાડવામાં આવી છે.
હંસલ મેહતાએ હાલમાં જ ‘સ્કૅમ 1992’ને ડિરેક્ટ કરી છે. આ ખૂબ જ જોરદાર શો હતો અને ત્યાર બાદ તેમણે તરત જ આ કમર્શિયલ ફિલ્મને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ પરથી એ વાત તો નક્કી છે કે તેમને અને રાજકુમારને ખુલ્લું મેદાન આપો તો તેઓ કોઈ પણ પ્રકારની ફિલ્મ બનાવી શકે છે. હંસલ મેહતાએ સ્ક્રિપ્ટ મુજબ ફિલ્મને ખૂબ જ સારી રીતે પડદા પર ઉતારી છે.
રાજકુમાર રાવે હરિયાણવી બોલી અને એક શરમાળ છોકરાની ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી છે. તેની લાઇફમાં ટર્નિંગ પૉઇન્ટ આવ્યા બાદ તેનામાં એક ગજબનો ગુસ્સો પણ જોવા મળ્યો છે. નુશરતે પણ સારું કામ કર્યું છે, પરંતુ તેનામાં હરિયાણવી બોલી જોવા નથી મળતી. સૌરભ શુક્લાનું કામ પણ ખૂબ જ સારું છે અને સતીશ કૌશિક પણ સમયે-સમયે એન્ટરટેઇન કરી જાય છે. ઝીશાન અયૂબે પણ ગજબ કામ કર્યું છે. એક પ્રૉપર સિનિયર કોચ અને તેનો સ્વૅગ ફિલ્મમાં દેખાય છે. જોકે તે વધુ કામ કેમ નથી કરતો કે પછી તે કેમ સિલેક્ટિવ છે એ એક સવાલ છે.
ફિલ્મનો એક પ્લસ પૉઇન્ટ એ છે કે એમાં ઘણા મેસેજ આપવામાં આવ્યા છે, જેમ કે બાળકોને સ્પોર્ટ્સ રમાડવું, સમાનતા રાખવી અને સેલ્ફ-રિસ્પેક્ટ. કેટલાક મેસેજને કહેવાની જગ્યાએ ઍક્શન દ્વારા સમજાવવામાં આવ્યા છે અને એ બેસ્ટ છે. હરિયાણા અને સ્પોર્ટ્સને કારણે ઘણી વાર ‘દંગલ’ની ફીલ આવી શકે છે, કારણ કે આ ફિલ્મમાં પણ હરિયાણાના બૅકડ્રૉપને ખૂબ જ સુંદર રીતે દેખાડવામાં આવ્યો છે.
આખરી સલામ
ફિલ્મના અંતમાં રાજકુમાર રાવ એક સ્પીચ આપે છે અને એના અંતમાં કહે છે કે થોડા ભાષણ ટાઇપ હો ગયા. આ ફિલ્મ પણ એની લંબાઈને કારણે અને સ્ક્રિપ્ટમાં ડેપ્થ ન હોવાને કારણે થોડી ભાષણ ટાઇપ થઈ ગઈ છે. બાકી દિવાળીના સમય પર ફિલ્મ ચોક્કસ જોઈ નખાય.