ધ ગર્લ ઑન ધ ટ્રેન: પ્રિડિક્ટેબલ હોવાથી પાટા પરથી ઊતરી ફિલ્મ
‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’માં પરિણીતી ચોપડા
પરિણીતી ચોપડાની ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ ફિલ્મ હાલમાં જ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. મુંબઈમાં થિયેટર્સને પરવાનગી આપી દેવામાં આવી છે છતાં એક પણ મોટી ફિલ્મ હજી સુધી થિયેટર્સમાં રિલીઝ નથી થઈ. જોકે માર્ચથી લાઇન લાગશે એ પણ હકીકત છે. ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ પૌલા હૉકિંગ્સની બુક પરથી બનાવવામાં આવી છે અને એ જ બુક પરથી હૉલીવુડમાં પણ ફિલ્મ બની ચૂકી છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપડા, કીર્તિ કુલ્હારી અને અદિતિ રાવ હૈદરીએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે જેને રીભુ દાસગુપ્તાએ ડિરેક્ટ કરી છે. પરિણીતીની હૅપી ફૅમિલી હોય છે અને ત્યાં તેની લાઇફમાં ટર્ન આવે છે અને તે આલ્કોહૉલિક બની જાય છે. તેને ઍમ્નિસિયા હોવાથી તેને બધું યાદ નથી રહેતું. એક મર્ડરમાં તેનું નામ આવે છે અને તે પોતાને નિર્દોષ સાબિત કરવા માટે મર્ડર કરનારને શોધે છે.
સ્ટોરી, ડિરેક્શન અને સ્ક્રિપ્ટ
ADVERTISEMENT
આ ફિલ્મનું ડિરેક્શન અને સ્ક્રીનપ્લે રીભુ દાસગુપ્તાએ લખ્યું છે. ફિલ્મના ડાયલૉગ ગૌરવ શુક્લાએ લખ્યા છે. આ ફિલ્મનું ડિરેક્શન નૉન-લિયર સ્ટાઇલમાં રાખવામાં આવ્યું છે. ફિલ્મની શરૂઆતમાં પરિણીતી જંગલમાં હોય છે અને અદિતિ દોડતી હોય છે. ત્યાંથી પરિણીતીને સ્ટેશન પર દેખાડવામાં આવે છે અને તેના માથા પર ઈજા હોય છે. અહીંથી સ્ટોરી ભૂતકાળમાં કૂદકો મારે છે અને એક હૅપી ફૅમિલીની જેમ સ્ટોરીની શરૂઆત થાય છે તેમ જ ધીમે-ધીમે ટ્વિસ્ટ આવતાં જાય છે. જોકે રીભુ દાસગુપ્તાના સ્ક્રીનપ્લેમાં થોડી કચાશ રહી ગઈ હોવાથી આગળ શું થવાનું છે એ સરળતાથી ધારી શકાય છે. ડાયલૉગ પણ એટલા ધારદાર નથી, પરંતુ એ ચલાવી શકાય એમ છે. ભૂતકાળ અને વર્તમાનને જોડવામાં ઘણી જગ્યાએ ડિરેક્ટરસાહેબ માર ખાઈ ગયા છે. તેમણે ઘણા પહેલુઓને એમ જ છોડી દીધા હોય એવું દેખાઈ આવે છે. સ્ક્રિપ્ટમાં પણ એટલી જ ખામી જોવા મળી છે. એક થ્રિલર ફિલ્મને બૉલીવુડનો તડકો આપવામાં એ માર ખાઈ ગઈ છે તેમ જ કેટલાંક દૃશ્યો પણ કેવી રીતે ફિલ્માવાયાં એ સવાલ છે. એક દૃશ્ય છે જેમાં બાથરૂમમાં પરિણીતી તેની ફ્રેન્ડ સાથે હોય છે. કોઈ પણ બાથરૂમમાં સીસીટીવી કૅમેરા નથી હોતા છતાં એ દૃશ્યમાં પરિણીતી જ્યારે કાચની સામે ઊભી રહીને દૃશ્ય ભજવી રહી હોય છે ત્યારે એનો વિડિયો તેના મોબાઇલ પર આવે છે. મિરર સામેનો વિડિયો કઈ રીતે કોઈ ઉતારી શકે અને એ પણ પરિણીતીની જાણ બહાર એ સવાલ છે. આવાં ઘણાં દૃશ્યો છે, જેમ કે પરિણીતીને માથા પર ઈજા થઈ છે અને તે લોહીલુહાણ હોય છે અને ટ્રેનમાં તેના ઘરે આવે છે. એ દરમ્યાન તેને કોઈએ ન જોઈ હોય એ માનવું અશક્ય છે. લંડન જેવા શહેરમાં જ્યાં પોલીસ સતત ફરતી હોય ત્યાં એક વ્યક્તિની પણ નજર તેના પર ન પડે એ વિચિત્ર લાગે છે. ફિલ્મમાં એક પાત્ર છે જેણે અગાઉ એક વેબ-શોમાં કામ કર્યું છે. એ વેબ-શોનો પ્લૉટ અને આ ફિલ્મમાં પરિણીતીની સ્ટોરીનો પ્લૉટ થોડોઘણો મળતો આવે છે જેથી કોઈ નવીનતા જોવા નથી મળી (સ્પોઇલરને કારણે વેબ-શોનું નામ આપવામાં નથી આવ્યું, પરંતુ એને ધારવું મુશ્કેલ પણ નથી).
પર્ફોર્મન્સ
ફિલ્મમાં પરિણીતી ચોપડાએ ખૂબ સારું કામ કર્યું છે. તેને અત્યાર સુધી જેટલાં પાત્રોમાં જોઈ છે એના કરતાં આ એકદમ અલગ રૂપમાં છે. તે તેના પાત્રને લાઉડ કરી શકી હોત, પરંતુ તેણે એકદમ પર્ફેક્ટ ઍક્ટિંગ કરી છે. જોકે સ્ટોરી પ્રિડિક્ટેબલ હોવાથી એમાં મજા નથી આવી. અદિતિએ પણ તેના પાત્રને ખૂબ સારી રીતે ભજવ્યું છે. જોકે તેને વધુ સારી રીતે એક્સપ્લોર કરવાની જરૂર હતી, કારણ કે તેના પાત્ર સાથે પરિણીતી કનેક્ટ થઈ હોય એ સારી રીતે દેખાડી નથી શકાયું. કીર્તિ કુલ્હારીએ પણ પોલીસના રોલમાં ખૂબ સારી ઍક્ટિંગ કરી છે. તે પહેલેથી જ એક સારી ઍક્ટર છે, પરંતુ તેને બધાં પ્રૂફ સરળતાથી હાથમાં મળી જતાં દેખાડવામાં આવ્યાં છે.
મ્યુઝિક
આ એક ડાર્ક થ્રિલર ફિલ્મ છે અને એમાં ગીતનું કોઈ કામ નહોતું. આમ છતાં એમાં ઘણાં ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે ફિલ્મ છેલ્લે બૉલીવુડની છે. સુખવિંદર સિંહે ગાયેલું ‘છલ ગયા છલ્લા’ સારું છે અને એ ફિલ્મ સાથે બંધ બેસતું પણ છે.
આખરી સલામ
પરિણીતીના કામને લીધે ફિલ્મ જોઈ શકાય છે. તેની ઍક્ટિંગ સાથે તેનો લુક અને કપડાંની સ્ટાઇલ પણ બંધ બેસતી હોવાથી તે વધુ ઇન્ટેન્સ લાગે છે. સ્ટોરી પ્રિડિક્ટેબલ હોવાથી ફિલ્મ એટલી ખાસ નથી બની.