લક્ષ્મી: સુરસુરિયું
અક્ષયકુમાર
અક્ષયકુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ ‘લક્ષ્મી’ બોમ્બની જગ્યાએ લવિંગ્યુ નીકળ્યું છે. લવિંગ્યુ એટલે કે એકદમ નાનું આવતું ફટાકડો જેની પાસેથી અવાજ કે તે સળગે કે નહીં એની પણ કોઈ આશા રાખવામાં નથી આવતી. આ ફિલ્મની હાલત પણ એવી જ છે. ફિલ્મનું ટ્રેલર અને નાની ક્લીપને જોઈને ફિલ્મ પાસે ઘણી આશા રાખવામાં આવી રહી હતી, પરંતુ આ બે કલાક અને 21 મિનિટની બોરિંગ ફિલ્મ સિવાય બીજુ કઈ નથી.
સ્ટોરી
ADVERTISEMENT
અક્ષયકુમારે આસિફનું પાત્ર ભજવ્યું છે જે હિન્દુ છોકરી રશ્મિ સાથે લગ્ન કરે છે. રશ્મિના માતા-પિતા આયેશા રઝા મિશ્રા અને રાજેશ શર્મા હોય છે. તેઓ દીકરીના લગ્નના ત્રણ વર્ષ સુધી તેમને સ્વિકારતા નથી. જોકે તેમની 25મી એનિવર્સરી હોવાથી મમ્મી તેમને ઘરે બોલાવે છે. તેઓ પણ પિતાનું દિલ જીતવાની કોશિશ કરે છે. આ તમામ દર્શાવતા લગભગ 40 ટકા ફિલ્મ પૂરી થઈ ગઈ હોય છે અને ત્યાર બાદ અક્ષયકુમારના શરીરમાં બુરી આત્મા એટલે કે લક્ષ્મી પ્રવેશે છે. અહીંથી ફિલ્મ ખરેખર જોર પકડવી જોઈએ, પરંતુ એ વધુને વધુ નબળી બનતી જાય છે.
સ્ક્રિપ્ટ, સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
આ તમામ ડિપાર્ટમેન્ટ રાઘવ લોરેન્સ દ્વારા સંભાળવામાં આવ્યા હતા જેણે 2011માં આવેલી ‘મુની 2 : કંચના’ બનાવી હતી. આ જ ફિલ્મની હિન્દી રીમેક ‘લક્ષ્મી’ છે, જેમાં કોઈ દમ નથી. શરૂઆતથી લઈને અંત સુધી પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે. જો બોમ્બ બનાવવા માટે ગંઘકને સારી રીતે ભરવામાં ન આવે અને ત્યાર બાદુ એનુ પેકિંગ યોગ્ય રીતે ન કરવામાં આવે તો એ બોમ્બ સારો ઘડાકો ન કરી શકે. આ કેસમાં ગંઘક એટલે સ્ક્રિપ્ટ એકદમ બકવાસ અને સ્ક્રીનપ્લે એટલે એનું બરાબર પેકિંગ કરવામાં ન આવ્યુ હોવાથી એની અસર એના ધડાકા પર પડી છે. ‘લક્ષ્મી’ને સ્ક્રિપ્ટ વગર બનાવવામાં આવી હોય એવું લાગે છે તેમ જ રાઘવ લોરેન્સના ડિરેક્શનમાં પણ પોલિશીંગની જરૂર છે. ટૂકડા-ટૂકડા જોઈન કર્યું હોય એવું વધુ લાગે છે. જોકે ફિલ્મની નિષ્ફળતા પાછળ નબળી સ્ક્રિપ્ટ જવાબદાર છે.
પ્લસ પોઇન્ટ
આ ફિલ્મમાં બે જ પ્લસ પોઇન્ટ છે જેમાં પહેલો છે શરદ કેલકર. શરદે ઓરિજિનલ લક્ષ્મી એટલે કે કિન્નરનું પાત્ર ભજવ્યું છે, જેની સાથે ખોટું થયું હોય છે અને તેની આત્મા અક્ષયકુમારમાં પ્રવેશે છે. લક્ષ્મીની સ્ટોરીને ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવી છે અને એમાં શરદે ખૂબ જ ઉત્તમ કામ કર્યું છે. ‘તાન્હાજી’ બાદ શરદે ફરી આ ફિલ્મમાં એક સરપ્રાઇઝ પર્ફોર્મન્સ આપ્યું છે. તે કિન્નરનું પાત્ર ખૂબ જ સારી રીતે અને ગ્રેસ પૂર્વક ભજવી શકે છે એમાં બે મત નથી. આ સિવાય બીજો પ્લસ પોઇન્ટ છે ‘બમ ભોલે’ ગીતનું પિક્ચરાઇઝેશન. જોકે એમાં સૌથી વધુ ક્રેડિટ કોરિયોગ્રાફરને આપવામાં આવે એમાં બે મત નથી.
પર્ફોર્મન્સ
સ્ટોરીમાં જ્યારે દમ નથી ત્યારે પર્ફોર્મન્સની વાત કરવી થોડી અઘરી પડે છે. અક્ષયકુમારે તેની બોડિ લેન્ગવેજ અને સારું પર્ફોર્મન્સ આપવાની ખૂબ જ કોશિશ કરી છે. જોકે તે પણ અમુક દૃશ્ય બાદ બોરિંગ લાગવા માંડે છે. આયેશા રઝા મિશ્રા અને અશ્વિની કાલ્સેકર પાસેથી પણ સારું કામ કઢાવવામાં નથી આવ્યું. અશ્વિની આના કરતાં ‘ગોલમાલ’માં વધુ સારી દેખાતી હતી. કિયારા અડવાણી પણ શરૂઆતમાં થોડા દૃશ્યમાં જોવા મળી હતી અને ત્યારબાદ ‘બુર્જ ખલિફા’ ગીત માટે. શરદ કેલકર સિવાય કોઈનું પણ પર્ફોર્મન્સ જોરદાર કહી શકાય એવું નહોતું.
માઇન્સ પોઇન્ટ
હોરર-કોમેડી તરીકે પ્રમોટ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં નથી હોરર કે નથી કોમેડી. અક્ષયકુમાર તેની કોમેડી અને પન્ચલાઇન માટે જાણીતો છે, પરંતુ એ અહીં મિસીંગ છે. ટ્રેલરમાં અને ડાયલોગ ક્લિપમાં જે એક-બે વનલાઇનર છે એ જ અહીં છે એ સિવાય કોઈ કોમેડી ડાયલોગ પણ નથી. કિન્નરની સ્ટોરી દેખાડવાના બહાને તેમના નામનો ઉપયોગ કરી ફિલ્મને બનાવવામાં આવી છે એ અહીં જોઈ શકાય છે. આ સાથે જ ફિલ્મને વધુ પડતી ખેંચવામાં આવી છે. ગીત ભલે ફેમસ થયા હોય, પરંતુ એ અહીં બંધ બેસતા નથી. તેમ જ બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પણ દમ નથી.
આખરી સલામ
આ ફિલ્મમાં એક મેસેજ આપવામાં આવ્યો છે, પરંતુ એ ફક્ત નામ પૂરતો છો. તેમની લાઇફને વધુ ડિટેઇલમાં જઈ દેખાડવાની જરૂર હતી. આ એક ખૂબ જ સારો ટોપિક હતો અને અક્ષયકુમાર જેવો સ્ટાર આ ફિલ્મ કરી રહ્યો હોવા છતાં એ સારી નથી બની રહી. આ એક ડ્રામેટિક ઓવરડોઝ છે.