ધ વાઇટ ટાઇગર: ભેદભાવ અને કાસ્ટ સિસ્ટમ પર જોરદાર તમાચો
ધ વાઇટ ટાઇગરનો એક સીન
વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘ધ વાઇટ ટાઇગર’ રિયલિટીને હૂબહૂ રજૂ કરતી એક અદ્ભુત ફિલ્મ છે. અમેરિકન ડિરેક્ટર રામીન બહરાની દ્વારા એને ખૂબ સારી રીતે રજૂ કરવામાં આવી છે. અરવિંદ અડીગાની મેઇન બુકર પ્રાઇઝ વિનિંગ નૉવેલ ‘ધ વાઇટ ટાઇગર’ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે.
જોરદાર સ્ટોરી ટેલિંગ
ADVERTISEMENT
ઘણી વાર બુક પરથી ફિલ્મ અથવા તો સિરીઝ બનવવામાં આવતી હોવા છતાં એને સારી રીતે બનાવવામાં નથી આવતી. જોકે આ ફિલ્મને ખૂબ સારી રીતે બનાવવામાં આવી છે. આપણી સોસાયટીની વાસ્તવિકતાને ખૂબ સારી રીતે અહીં દેખાડવામાં આવી છે. જો કોઈ ઇન્ડિયન ફિલ્મમેકર હોત તો તે આ વાસ્તવિકતાને ખૂબ રિયલ દેખાડી ન શક્યો હોત, કારણ કે તેને કન્ટ્રોવર્સીનો ડર વધુ હોત. જોકે રામીન બહરાનીએ શક્ય હોય એટલું ડિટેઇલમાં જઈને ખૂબ જ વાસ્તવિકતા દેખાડી છે. તેણે ગરીબી અને પૈસાદાર એમ બન્ને વ્યક્તિને ખૂબ નજીકથી જોયા બાદ આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી હોય એ જોઈ શકાય છે. તેણે બન્ને પક્ષના પહેલુને ખૂબ જ સારી રીતે રાખ્યા છે અને છતાં સોસાયટીમાં થતા ભેદભાવને દેખાડીને ભેદભાવ અને કાસ્ટ સિસ્ટમ પર એક જોરદાર તમાચો માર્યો છે. ફિલ્મની સ્ટોરી ખૂબ ઇન્ટરેસ્ટિંગ રાખવામાં આવી છે. અશોક એટલે કે રાજકુમાર રાવ તેની પત્ની પિન્કી એટલે કે પ્રિયંકા ચોપડા જોનસ સાથે અમેરિકામાં અભ્યાસ કરીને ઇન્ડિયા આવ્યો હોય છે. તેમને બન્નેને લાગે છે કે તેઓ તેમની માનસિકતા અલગ હોવાથી આ કાસ્ટ સિસ્ટમ અને ભેદભાવને બદલીને સોસાયટીમાં બદલાવ લાવી શકશે. જોકે તેઓ બન્ને તેમની ફૅમિલીને કારણે આ જ ભેદભાવનો ભોગ બન્ને છે અને પ્રિયંકા પણ પૂરુષપ્રધાન સોસાયટીનો ભોગ બને છે.
અદ્ભુત પર્ફોર્મન્સ
આ ફિલ્મને કો-પ્રોડ્યુસ કરી હોવા છતાં પ્રિયંકા એક મહેમાન ભૂમિકામાં છે. તેણે તેના પાત્રને ખૂબ સારી રીતે ભજવ્યું છે. જ્યાં ઇમોશન્સની વધુ જરૂર હોય ત્યાં તેણે દૃશ્યને ખૂબ અસરકારક બનાવ્યું છે અને જ્યાં દૃશ્યને હળવું કરવાનું હોય ત્યાં તેણે એ પણ કર્યું છે. રાજકુમાર રાવ પણ તેના પાત્રમાં ખૂબ સારો છે. તે જેટલો સારો માણસ હોય એટલો જ કરપ્શનનો ભોગ બનતો પણ દેખાડવામાં આવ્યો છે. તે સૌથી પહેલાં જ્યારે કરપ્શનને પ્રોત્સાહન આપે છે ત્યારે તેના ચહેરા પર ગુસ્સો હોય છે, પરંતુ ત્યાર બાદ તે ઇન્ડિયામાં કરપ્શનમાં એટલો ટેવાઈ ગયો હોય છે કે તેને કોઈ ફરક પણ નથી પડતો. તેનું આ ટ્રાન્સફૉર્મેશન પણ જોરદાર છે. આ બન્નેની સાથે મહેશ માંજરેકર અને વિજય મૌર્યએ પણ ખૂબ સારું કામ કર્યું છે. જોકે આ શો માટે સૌથી મોટું શ્રેય આદર્શ ગૌરવને આપવું જોઈએ. ચા વેચવાથી લઈને ડ્રાઇવર અને ઑન્ટ્રપ્રનર સુધીની તેની સફર ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. તેણે તેના દરેક દૃશ્યને ખૂબ નાજુકતાથી ભજવ્યાં છે. સ્ટોરી જેટલી સારી હતી એટલી જ સારી તેની ઍક્ટિંગ પણ હતી. સ્ટોરી અને આદર્શની ઍક્ટિંગને કારણે તમે જગ્યા પર બે કલાક અને પાંચ મિનિટ સુધી ચીટકીને બેસી રહેશો. આદર્શની બોલી, ચાલવાની સ્ટાઇલ, બૉડી-લૅન્ગ્વેજ અને સમયે-સમયે તેનાં બદલાતાં રહેતાં એક્સપ્રેશન ખૂબ અદ્ભુત છે. ઘણી વાર તે અન્ય વ્યક્તિ સાથે વાત કરતાં-કરતાં તેની પોતાની દુનિયામાં ખોવાઈ ગયેલો પણ જોવા મળે છે.
જબરદસ્ત હિંમત
આ સ્ટોરી કહેવા માટે રામીન બહરાનીએ જબરદસ્ત હિંમત કરી છે. તેણે એવાં ઘણાં દૃશ્યો દેખાડ્યાં છે જેને જોઈને કદાચ આપણે હચમચી જઈએ. મોટા ભાગે આવી સ્ટોરીથી ઇન્ડિયન ફિલ્મમેકર દૂર ભાગે છે, પરંતુ રામીને આવાં દૃશ્યોમાં અંદર સુધી ઘૂસીને એ દેખાડ્યાં છે. માલિક તેની પત્ની સાથે જ્યારે પાછળની સીટ પર બેસીને રોમૅન્સ કરે છે ત્યારે ડ્રાઇવરની એના પર શું અસર પડે છે એ પણ દેખાડવામાં આવ્યું છે તેમ જ જ્યારે માલકીન ઓપન માઇન્ડેડ હોય અને તે થોડી ફ્રેન્ડ્લી બનીને રહેતી હોય છતાં એક ડ્રાઇવર પર એની શું અસર પડે છે એ પણ અહીં કોઈ પણ પ્રકારના ડાયલૉગ વગર ખૂબ સારી રીતે કહી દેવામાં આવ્યું છે. સોસાયટીમાં કાસ્ટ, ક્લાસ અને નફરત કેટલી હદ સુધી ફેલાયેલાં છે અને પૈસાદાર લોકો કેવી રીતે ગરીબ લોકોને દબાવે છે એ દેખાડવામાં રામીન બહરાની સફળ થયા છે.
આખરી સલામ
આ ફિલ્મ કોઈ પણ પ્રકારના બ્રેક વગર અને ખૂબ શાંતિથી જોવા જેવી છે. આ ફિલ્મ દ્વારા આપણે ઘણું શીખવા જેવું છે જેથી આપણે કાસ્ટ, ક્લાસ અને ભેદભાવનો નાશ કરી શકીએ.