હૉરર બની હૉરિબલ : ફિલ્મની સ્ક્રિપ્ટમાં શરૂઆતથી લઈને અંત સુધી ઘણી ભૂલો
ફિલ્મ રૂહીમાં જ્હાવની કપૂર અને રાજકુમાર રાવ
કૉમેડી-હૉરરની જગ્યાએ ડિરેક્ટર પોતે પણ ફિલ્મને લઈને કન્ફ્યુઝ હોય એવું લાગે છે . લગભગ એક વર્ષના સમય બાદ કોઈ મોટી ફિલ્મ એટલે કે ‘રૂહી’ થિયેટર્સમાં રિલીઝ થઈ છે. હજી સુધી દેશનાં તમામ થિયેટર્સ શરૂ કરવામાં નથી આવ્યાં અને આ ફિલ્મ દર્શકોને થિયેટર્સમાં ખેંચી લાવવા માટે સક્ષમ છે એવું કહેવાના ચાન્સ ખૂબ જ ઓછા છે. આ એક હૉરર-કૉમેડી ફિલ્મ છે, પરંતુ ડિરેક્ટર હાર્દિક મહેતા દ્વારા હૉરિબલ બની ગઈ હોય એવું વધુ લાગે છે. દિનેશ વિજન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મને મૃગદીપ સિંહ લાંબા અને ગૌતમ મેહરાએ લખી છે.
સ્ટોરી-ટાઇમ
ફિલ્મમાં ભવરા પાન્ડેનું પાત્ર રાજકુમાર રાવે, કટ્ટની કુરેશીનું પાત્ર વરુણ શર્માએ અને રૂહી અને અફ્ઝાનું પાત્ર જાહ્નવી કપૂરે ભજવ્યું છે. ભવરા અને કટ્ટની લોકલ જર્નલિસ્ટ હોય છે અને તેઓ કિડનૅપર બની જાય છે. તેઓ ‘પક્કડાઇ શાદી’ માટે રૂહીને કિડનૅપ કરે છે. આ દરમ્યાન તેમને ખબર પડે છે કે રૂહીમાં બે પર્સનાલિટી હોય છે અને બીજી પર્સનાલિટી અફ્ઝા હોય છે. અફ્ઝા એક મુડિયાપૈરી હોય છે એટલે કે એક ચુડેલ જે લગ્ન માટે ભટકતી રહેતી હોય છે અને એના પગ ઊલટા હોય છે. આ જાણ્યા બાદ તેમની વચ્ચે લવ-ટ્રાયેન્ગલ શરૂ થાય છે, જેને હૉરર-ટ્રાયેન્ગલ કહેવો ખોટું નથી.
ડિરેક્શન અને સ્ક્રીન પ્લે
બિહારનો ‘પકડુઆ વિવાહ’ એટલે કે જબરદસ્તી લગ્ન કરાવવાનો વિષય હવે જૂનો થઈ ગયો છે. આ ફિલ્મમાં એક ટ્વિસ્ટ આપવામાં આવ્યો છે કે છોકરાની જગ્યાએ છોકરીને કિડનૅપ કરવામાં આવે છે. અને એના પર પૂરેપૂરી એક ફિલ્મ બની હોવા છતાં આ ફિલ્મમાં એ વિષયને પસંદ કરવાનું લૉજિક સમજમાં નથી આવતું. કિડનૅપ પણ એટલા માટે કરવું કે જેથી જાહ્નવી, વરુણ અને રાજકુમાર એકસાથે ભેગા થઈ શકે. આ માટે પણ ઘણો લાંબો સમય ફિલ્મને આપવામાં આવ્યો છે જે ખરેખર બોર કરી નાખે છે. આ સાથે જ એવું દેખાડવામાં આવ્યું છે કે એ ગામમાં ‘પક્કડાઇ શાદી’ ખૂબ જ સામાન્ય વાત છે અને એનાથી કોઈને ફરક નથી પડતો, પરંતુ અચાનક પોલીસ કિડનૅપ વિશે તપાસ કરતાં તેમને અચાનક ડર લાગવા માંડે છે. આથી ડિરેક્ટર અને રાઇટર્સ પણ પોતે કન્ફ્યુઝ હોય એવું લાગી રહ્યું છે. ફિલ્મને પાટા પર લાવવા માટે ડિરેક્ટર સાહેબ અને રાઇટર્સને ઘણો સમય લાગ્યો છે એમ છતાં તેઓ લાવી નથી શક્યા. હાર્દિક મહેતાએ ખૂબ જ લાંબી અને કંટાળાજનક ફિલ્મ તો બનાવી છે, પરંતુ એના ડિરેક્શનમાં તે દરેક વસ્તુને સારી રીતે દેખાડી પણ નથી શક્યો. તેની હૉરર ફિલ્મમાં હૉરર નથી લાગતું. તેમ જ કૉમેડી જે છે એ વરુણ શર્માને કારણે બે-ત્રણ જગ્યાએ હસાવી શકે છે. જોકે કૉમેડીના નામે ‘ટાઇટૅનિક’ અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ જેવી ફિલ્મોના રેફરન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમ જ શાહિદ કપૂરના ‘કમીને’ના ડાયલૉગ ‘મેં ફ કો ફ બોલતા હૂં’નું વર્ઝન પણ અહીં જોવા મળશે. ટૂંકમાં કૉમેડીના નામે પંચલાઇનનો અભાવ છે. આ સાથે સ્ક્રિપ્ટમાં સૌથી મોટો પ્રૉબ્લેમ ભાષાનો છે. તેઓ કઈ ભાષા દેખાડવા માગે છે એ સમજમાં નથી આવતું. તેમ જ એનાથી ફિલ્મ સાથે કનેક્ટ થવામાં ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થઈ છે.
ઍક્ટિંગ
રાજકુમાર રાવને ગરીબ ગામડાના છોકરામાં ઘણી ફિલ્મોમાં જોયો છે. દિનેશ વિજનની જ ‘સ્ત્રી’થી હટકે દેખાડવામાં તેણે ચાલવાની સ્ટાઇલ અને લુકની સાથે ભાષામાં થોડો બદલાવ કર્યો છે. જોકે તેની ઍક્ટિંગમાં એ ઝલક દેખાઈ જ આવે છે. તેના માથા પર ખૂબ જ મોટી જવાબદારી હતી અને તેણે એ નિભાવવાની ઘણી કોશિશ કરી છે, પરંતુ કંગાળ સ્ક્રિપ્ટને કારણે તે પણ કંઈ કરી શકે એમ નથી. વરુણ શર્મા તેના કૉમિક ટાઇમિંગ માટે ખૂબ જ જાણીતો છે. આ ફિલ્મમાં પણ તે લોકોને હસાવવામાં સફળ રહ્યો છે, પરંતુ એવાં ખૂબ જ ઓછાં દૃશ્યો છે. જાહ્નવીએ એક શાંત અને ડરપોક છોકરી રૂહીનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. જોકે અફ્ઝાના પાત્રમાં તે એટલી જામતી નથી. પ્રોસ્થેટિકનો ઉપયોગ કરીને તેને ડરામણી દેખાડવામાં આવી છે, પરંતુ એ પાત્રમાં પણ તેના ચહેરાના હાવભાવ ઝીરો રહે છે. આથી તે ડરાવી પણ નથી શકતી. ટેક્નૉલૉજીનો ઉપયોગ અને કૅમેરા ઍન્ગલ વડે તેને ડરામણી દેખાડવાની ભરપૂર કોશિશ કરી છે, જે એક માઇન્સ પૉઇન્ટ છે. આ સિવાય બાકીનાં પાત્રોને પણ વધુ એક્સપ્લોર કરવામાં નથી આવ્યાં અને તેમની સ્ટોરીને ઉપરછલ્લી રાખવામાં આવી છે.
મ્યુઝિક
હૉરર ફિલ્મમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ મહત્ત્વનું હોય છે, પરંતુ કેતન સોઢાનો સ્કોર એટલો ઇફેક્ટિવ નથી. એ ડરાવવામાં પણ કામ નથી આવ્યો. બીજી તરફ સચીન-જિગરના ગીત ‘નદિયા પાર’ અને ‘પનઘટ’નો અનુક્રમે ઓપનિંગ અને એન્ડ-ક્રેડિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ બે ગીતને ફિલ્મ સાથે કોઈ લેવાદેવા નથી, એ ફક્ત પ્રમોશનલ સૉન્ગ છે. જોકે જુબિન નૌટિયાલનું ‘કિશ્તોં’ સારું સૉન્ગ છે.
આખરી સલામ
ફિલ્મનો સૌથી મોટો માઇન્સ પૉઇન્ટ એનો અંત છે. ફિલ્મને શરૂઆતથી જે દિશામાં લઈ જવામાં આવી હતી અને અંત જે છે એ એકબીજાથી ખૂબ જ અલગ છે. તેમ જ સરિતા જોષીના પાત્રને લઈને પણ ઘણા સવાલો થાય છે, કારણ કે જાહ્નવીમાં આવેલી મુડિયાપૈરી ફક્ત એક વર્ષ સુધી શરીરમાં રહે છે અને એ દરમ્યાન લગ્ન કરાવવામાં ન આવે તો જે-તે મહિલાનું મૃત્યુ થાય છે.