જૉની ડેપ ૨૫ વર્ષ બાદ અલ પચીનોના બીજી ફિલ્મ ડિરેક્ટ કરવાનો છે
જૉની ડેપ
જૉની ડેપ ૨૫ વર્ષ બાદ ફરી ફિલ્મ ડિરેક્ટ કરવા જઈ રહ્યો છે. તેણે ૨૫ વર્ષ પહેલાં ૧૯૯૭માં આવેલી ‘ધ બ્રેવ’ ડિરેક્ટ કરી હતી. આટલાં વર્ષ બાદ તે હવે ડિરેક્ટર તરીકે ફરી કમબૅક કરી રહ્યો છે અને એને અલ પચીનો દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. જૉની તેની એક્સ-વાઇફ એમ્બર હર્ડ સાથેના કેસને લઈને ખૂબ ચર્ચામાં હતો. આ કેસ તે જીતી ગયો હતો. તે હવે ૧૮૮૪થી ૧૯૨૦ સુધી જીવેલા ફેમસ ઇટાલિયન આર્ટિસ્ટ અમેડિયો મોદિગ્લિયાની બાયોગ્રાફિકલ ફિલ્મ બનાવી રહ્યો છે. એમ્બરે મૂકેલા આરોપને કારણે હૉલીવુડમાંથી તેને એક પણ ફિલ્મની ઑફર નહોતી મળી રહી. જોકે જૉની હવે તેની કરીઅરને ફરી રિવાઇવ કરવાની કોશિશ કરી રહ્યો છે. આ ફિલ્મનું નામ ‘મોદિગ્લિયાની’ રાખવામાં આવ્યું છે. અમેરિકન પ્લેરાઇટ ડેનિસ મેકઇન્ટાયરના પ્લે પરથી આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ નાટક ૧૯૧૬માં પૅરિસમાં સેટ છે. અમેરિકન સોસાયટીને પોતાનાં નાટકો દ્વારા રજૂ કરવા બદલ મેકઇન્ટાયર ખૂબ ફેમસ હતો. આ વિશે જૉનીએ કહ્યું કે ‘મિસ્ટર મોદિગ્લિયાની લાઇફ ખૂબ અદ્ભુત છે. મને ગર્વ છે કે હું આ સ્ટોરી લોકોને કહી રહ્યો છું. તેમની લાઇફ ખૂબ મુશ્કેલીઓ ભરી હતી. આ એક એવી સ્ટોરી છે જેની સાથે દરેક વ્યક્તિ કનેક્ટ થઈ શકશે.’