ઑસ્કર સમારોહના ચાર કલાક દરમ્યાન ઑલમોસ્ટ દરેક અવૉર્ડ (એવરીથિંગ), દરેક જગ્યાએ (એવરીવેર) એક ફિલ્મ સુધી પહોંચ્યા! (ઑલ ઍટ વન્સ)
`એવરીથિંગ એવરીવેર ઑલ ઍટ વન્સ`
ઑસ્કર ૨૦૨૩માં સૌથી વધારે અવૉર્ડ્સ અમેરિકન ફિલ્મ ‘એવરીથિંગ એવરીવેર ઑલ ઍટ વન્સ’ને મળ્યા છે. ફિલ્મને ૧૧ કૅટેગરીઝમાં નૉમિનેશન્સ મળ્યાં હતાં અને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ઍક્ટ્રેસ, બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ, બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે, બેસ્ટ ફિલ્મ એડિટિંગ એમ સાત અવૉર્ડ્સ પોતાના નામે કર્યા છે.
શું છે ફિલ્મમાં?
ADVERTISEMENT
‘એવરીથિંગ એવરીવેર ઑલ ઍટ વન્સ’ની વાર્તા એક ચાઇનીઝ-અમેરિકન મહિલા એવલિનની આસપાસ ફરે છે, જે પોતાના પતિ સાથે લૉન્ડ્રોમૅટ – કપડાં ધોવાની દુકાન – ચલાવે છે. પતિ પત્નીને ડિવૉર્સ આપવાના પ્રયત્નમાં છે. તેમની જૉય નામની દીકરી છે. બે દાયકા પહેલાં તેઓ ભાગીને યુએસ આવ્યાં છે. તેમની શૉપનું ઑડિટ ઇન્ટરનલ રેવન્યુ સર્વિસના ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. એની માથાકૂટ ચાલી રહી છે. દીકરી જૉય લેસ્બિયન છે. તે મમ્મીને તેની નૉન-ચાઇનીઝ ગર્લફ્રેન્ડ બૅકી સાથે પરિચય કરાવે છે. એવલિનના વ્હિલચૅર પર ફરતા પિતા છે.
ફિલ્મમાં આટલાં પાત્રો છે અને બેઝિક આટલી વાર્તા છે. જેટલાં લખ્યાં એ તમામ પાત્રો ધાકડ છે. દરેકનો અલાયદો, રસપ્રદ પ્લૉટ છે. એવલિનનું પાત્ર ભજવનાર ઍક્ટ્રેસ મિશેલ યોહ અત્ર, તત્ર, સર્વત્ર છે. તેનો પતિ બનનાર અભિનેતા કે હ્વી ક્વાન છે તો ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવનાર જૅમી લી કર્ટિસ છે. આ ત્રણેયને ઑસ્કર મળ્યો છે! ‘એવરીથિંગ..’ના ડિરેક્ટર ડૅનિયલ ક્વાન અને ડૅનિયલ શાયનર્ટ છે. બેઉએ ૨૦૧૬માં ‘સ્વિસ આર્મી મૅન’ નામની ફિલ્મ બનાવી હતી. આ તેમની બીજી ફિલ્મ છે. બંનેનાં નામ (અટક નહીં) સરખાં હોવાથી ‘ડૅનિયલ્સ’ તરીકે ઓળખાય છે.
મલ્ટિયુનિવર્સની વાત, કૉમેડી-ઇમોશન્સના તડકા સાથે અગાઉ એવું થયું છે કે ઑસ્કરમાં જીતનાર ફિલ્મ સંપૂર્ણ આર્ટિસાર્ટી પ્રકારની હોય. ચોક્કસ વર્ગને ગમે, પણ મોટા ભાગના લોકો બોર થાય. બીજી બાજુ ફિલ્મમાં વીએફએક્સનો અત્યંત ઉપયોગ થયો હોય, સાયન્સ ફિક્શન પ્રકારની ફિલ્મ હોય એને સ્પેશ્યલ વીએફએક્સમાં ઑસ્કર મળે; પણ બેસ્ટ પિક્ચર કે ડિરેક્ટર તરીકે એનું નામ આવવું મુશ્કેલ. સંપૂર્ણ કૉમેડી ફિલ્મને ઑસ્કર મળે એવું ઓછું જોવા મળ્યું છે (‘ટ્રાયેન્ગલ ઑફ સૅડનેસ’ને નૉમિનેશન મળ્યું હતું). પણ ‘એવરીથિંગ...’ માં આ બધાં જ પાસાં છે! અને સાઠ વર્ષની ઉંમરની એશિયન લીડ ઍક્ટ્રેસ સહિત બધા જ અવૉર્ડ્સ એણે અંકે કર્યા છે!
ફિલ્મમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ બખૂબી કરવામાં આવ્યો છે. ફિલ્મની નાયિકા આંખના પલકારામાં એક યુનિવર્સમાંથી બીજા યુનિવર્સમાં દાખલ થાય છે. બહુધા દૃશ્યોમાં એકાધિક યુનિવર્સની વાર્તા સાથે ચાલે છે (એ માટે જૂની ફિલ્મોના રેફરન્સિસ લેવાયા છે). આ માટેના વિઝ્યુઅલ ઇફેક્ટ્સના ૫૦૦ શૉટ્સ લેવામાં આવ્યા હતા. ૨૦૨૦માં આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું હતું અને પૅન્ડેમિક દરમ્યાન સીજીઆઇ અને વીએફએક્સ પર કામ થયું હતું. ચોંકાવનારી વાત એ છે (જેમણે આ ફિલ્મ જોઈ હશે તે વધુ ચોંકશે!) કે ફિલ્મની વિઝ્યુઅલ ઇફેક્ટ્સની ધુરા સંભાળનાર આર્ટિસ્ટ ઝૅક સ્ટોલ્ટ્સે આ અગાઉ ફીચર ફિલ્મમાં વીએફએક્સ નહોતું સંભાળ્યું! ઝૅક ડિરેક્ટર બેલડી ડૅનિયલ્સનો મિત્ર થાય. તેમણે ‘એવરીથિંગ..’નો વાર્તા-વિચાર જણાવ્યો. ઝૅક સ્ટોલ્ટ્સે પાંચ જણની નાની ટીમ તૈયાર કરી અને તેમણે પૅન્ડેમિક દરમ્યાન એક રૂમમાં બેસીને વીએફએક્સ શીખ્યું. એક ઇન્ટરવ્યુમાં ઝૅક સ્ટોલ્ટ્સે કહે છે, ‘અમને થ્રી-ડી પ્રોગ્રામ્સ નહોતા આવડતા. આફ્ટર ઇફેક્ટ્સ વિશે ખ્યાલ હતો અને ડિરેક્ટર્સની જરૂરિયાત અમે સમજી શક્યા હતા.’
આ પણ વાંચો: Spider-Man: Across the Spider-Verse : ફિલ્મમાં જોવા મળશે ઇંડિયન સ્પાઇડર-મૅન
ફિલ્મમાં એક-બે નહીં, પણ અઢળક યુનિવર્સ છે. મોટા પડદે એક વખત જોતાં ઘણી બાબતો ચુકાઈ જાય એમ છે તેમ છતાં એકથી બીજા યુનિવર્સની ધમાચકડી, ઍક્શન-પૅક્ડ દૃશ્યો વચ્ચે પણ ફિલ્મનો ઇમોશનલ ક્વૉશન્ટ મજબૂત રહ્યો છે. ફિલ્મમાં મા અને દીકરીની હિન્દી કે દક્ષિણ ભારતીય ફિલ્મ યાદ આવી જાય એવી લાગણીનીતરતી વાત છે. સારી ફિલ્મ એ હોય જેમાંથી દરેકને પોતાનો એક અર્થ મળે. આ ફિલ્મ જોતાંવેંત વિચાર આવેલો કે કોઈ પણ દુનિયા (યુનિવર્સ) હોય, માનો પ્રેમ ત્યાં ખેંચાઈ જ આવે છે. તે તમે ક્યાંય પણ હો, તે તમને નથી છોડી શકતી...
ઍક્ટર્સ એ-વન
નાયિકાના પિતાનો રોલ કરનાર અભિનેતા જેમ્સ હોન્ગની અત્યારે ઉંમર ૯૪ વર્ષ છે (ઑસ્કર સમારોહમાં બેઠા હતા). શૂટિંગ દરમ્યાન ૯૧ વર્ષ હતી. જુદા-જુદા ઍક્શન સીન્સ વાસ્તે તેમના માટે પાંચ સ્ટૅન્ડ-ઇન તૈયાર રખાયા હતા. શ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કર જીતનાર મલેશિયન ચાઇનીઝ ઍક્ટ્રેસ મિશેલ યોહે હૉન્ગકૉન્ગ ઍક્શન ફિલ્મોથી શરૂઆત કરી હતી. માર્શલ આર્ટ્સ, કૉમેડી અને ઇમોશનલ, તમામ જોનરની ફિલ્મો છેલ્લા દાયકાઓમાં કરી છે. એવલિનના એક પાત્રમાં તેણે આ તમામ જોનર એકસામટાં મૂકી દીધાં છે! ઍક્ચ્યુઅલી આ પાત્ર અગાઉ જૅકી ચેન માટે લખાયેલું, કારણ કે હ્યુમરની સાથે તમામ પ્રકારની ઍક્શન કરવાની ખૂબી તેમનામાં છે.
મિશેલ યોહની તેના પતિ બનતા અભિનેતા કે હ્વી ક્વાન સાથે કેમિસ્ટ્રી અદ્ભુત રહી છે. બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરના ઑસ્કર વેળાએ આ અભિનેતા રડી રહ્યો છે. વાત એમ છે કે આ અભિનેતા ૨૦ વર્ષ બાદ કૅમેરા સામે પાછો આવ્યો છે! ’૮૪માં તેણે બાળકલાકાર તરીકે ‘ઇન્ડિયાના જૉન્સ ઍન્ડ ધ ટેમ્પલ ઑફ ડૂમ’ થી શરૂઆત કરી હતી. ૨૦૦૨માં ‘સેકન્ડ ટાઇમ અરાઉન્ડ’ નામની ફિલ્મ આવી હતી. બાદમાં તેની પાસે કામ જ નહોતું. આટલા, ૩૦ વર્ષના ગૅપ બાદ ડૅનિયલ્સે તેને ગોત્યો. તે કહે છે, ‘હું તાઓ ક્વાન ડો શીખ્યો છું. ફિલ્મમાં એ કૉમેડી-વેમમાં રજૂ થાય છે. બાકી બધું જ મહિનો અમે ઍક્શન ટીમ સાથે અમે શીખ્યા. અને મિશેલ યોહ તો માર્શલ આર્ટ્સની ક્વીન છે.’