જ્યુરરમાં ૭૭ વર્ષની વ્યક્તિની જગ્યાએ બાવન વર્ષની વ્યક્તિએ હાજરી આપી હતી, એને લીધે કેસ સાથે છેડછાડ થઈ હોવાની દલીલ એમ્બર હર્ડની વકીલે કરી છે
ફાઇલ તસવીર
હૉલીવુડના ઍક્ટર જૉની ડેપના કેસના ચુકાદા સામે સવાલ ઊભો થયો છે. જૉની ડેપે તેની એક્સ-વાઇફ એમ્બર હર્ડ પર બદનક્ષીનો દાવો કર્યો હતો. તેમનો આ કેસ જાહેર બન્યો હતો અને કોર્ટની હિયરિંગને લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. આ કેસનો ચુકાદો જૉનીના ફેવરમાં ગયો હતો. કોર્ટે એમ્બરને કહ્યું હતું કે તેણે જૉનીને ૧૫ મિલ્યન ડૉલર આપવા પડશે. જોકે આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં જ્યુરીની ડ્યુટી માટે જેમને બોલાવવામાં આવ્યા હતા એમાં એક વ્યક્તિ ખોટી હોવાનું સામે આવી રહ્યું છે. એમ્બરની વકીલ ઇલેઇન બ્રેડહોફ્ટે કહ્યું કે ‘આ કેસમાં જ્યુરર નંબર-૧૫નું જ્યુરી-લિસ્ટમાં જે નામ હતું એ વ્યક્તિ નહોતો. તેની જગ્યાએ બીજી વ્યક્તિએ હાજરી આપી હતી. આથી એમ્બર હર્ડના કેસમાં છેડછાડ થઈ છે એ કારણસર ચુકાદાને પાછો ખેંચવામાં આવે અને નવી ટ્રાયલનો ઑર્ડર આપવામાં આવે.’
જ્યુરી પૅનલ માટે બોલાવવામાં આવેલો ૧૫ નંબરનો જ્યુરર વર્જિનિયામાં રહે છે. બોલાવવામાં આવેલા જ્યુરરની ઉંમર ૭૭ વર્ષ હતી. જોકે એક જ ઍડ્રેસ પર રહેતી બે વ્યક્તિની અટક એકસરખી હોવાથી આ ભૂલ થઈ હતી, જેથી ૭૭ વર્ષની જગ્યાએ બાવન વર્ષની વ્યક્તિએ હાજરી આપી હતી. આ કારણસર જૉની ડેપના કેસના ચુકાદાને ફરી લેવામાં આવી શકે છે અને કેસ ફરીથી શરૂ થઈ શકે છે.

