બેટ દ્વારકા જતા હતા ત્યારે બોટમાં મને એક ફૅમિલી ઓળખી ગયું અને પછી તો આખી બોટ ભેગી થઈ ગઈ, મારે બધાને કહેવું પડ્યું કે આપણે બોટમાં છીએ, કિનારે પહોંચી જઈએ એટલે બધા નિરાંતે વાતો કરીશું
ભવ્ય ગાંધી
આપણે વાત કરતા હતા દ્વારકાની અને મેં તમને કહ્યું કે હું મારી લાઇફમાં પહેલી વાર દ્વારકા ગયો. મેં તમને કહ્યું એમ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહીદ ભગત સિંહની પુણ્યતિથિના એ દિવસે બ્લડ કૅમ્પ પણ હતો. યંગસ્ટર્સનું મોટું ટોળું જોઈને મને પણ થયું કે મારે પણ બ્લડ ડોનેશન કરવું જોઈએ અને મેં પણ એ દિવસે બ્લડ ડોનેટ કર્યું. એવું નહોતું કે મેં પહેલી વાર બ્લડ ડોનેટ કર્યું હતું, અગાઉ અનેક વખત કર્યું છે તો મેં અગાઉ અનેક વખત પ્લાઝમા માટે પણ બ્લડ ડોનેટ કર્યું છે. મેં મુંબઈમાં પણ મારું નામ રજિસ્ટર કરાવી રાખ્યું છે, પણ હવે મૅક્સિમમ અમદાવાદ રહેવાનું બને છે એટલે મુંબઈથી જ્યારે પણ કૉલ આવે ત્યારે હું મારા કોઈ ને કોઈ ફ્રેન્ડને બ્લડ ડોનેશન માટે મોકલાવી દઉં, પણ દ્વારકાની ટ્રિપ દરમ્યાન મને બ્લડ ડોનેટ કરવાનો મોકો મળી ગયો અને મેં એ ઑપોર્ચ્યુનિટી ઝડપી લીધી.
બ્લડ ડોનેશન કૅમ્પ પૂરો થયા પછી મને પૂછવામાં આવ્યું કે હું અગાઉ ક્યારેય દ્વારકા આવ્યો છું કે નહીં ત્યારે મેં ના પાડી એટલે મને કહ્યું કે તો આપણે હવે આખું દ્વારકા જોઈએ. મારી તો તૈયારી હતી જ. અમે પહેલાં બેટ દ્વારકા ગયા અને ત્યાં જઈને દર્શન કર્યાં. એ દિવસે અમે સવારે વહેલા નીકળી ગયા હતા એટલે મારાં પૂજાપાઠ બાકી હતાં. જો હું ઘરે પૂજા ન કરી શક્યો હોઉં તો પછી હું દિવસ દરમ્યાન હનુમાન ચાલીસાના પાઠ કરી લઉં છું. મેં મારા એ બધા મિત્રોને કહ્યું તો મને કહે કે હનુમાન ચાલીસાના પાઠ માટે આપણે અહીંથી દાંડી હનુમાન જઈએ, ત્યાં તને બહુ મજા આવશે. મેં કહ્યું, ચાલો. આપણે તો તૈયાર જ છીએ, પણ આ દાંડી હનુમાનની વાત કરતાં પહેલાં તમને વાત કરું બેટ દ્વારકાની. દ્વારકાથી બેટ દ્વારકા અમે બોટમાં બેસીને ગયા હતા. એક આસામથી આવેલું ફૅમિલી પણ હતું. તેઓ મને ધ્યાનથી જોયા કરે, હું તેમની તરફ જોઉં તો તરત જ બીજી બાજુએ જોવા માંડે, પણ પછી ફરી ત્રાંસી આંખે મને જ જોયા કરે.
થોડી વાર પછી તેમણે આવીને મને ધીમેથી પૂછ્યું, ‘ટપુ?’
હા, તેઓ મને ઓળખી ગયા અને એ પણ આટલાં વર્ષે. મને નવાઈ લાગી તો કહે કે ચૅનલ પર સવારના ભાગમાં સતત જૂના એપિસોડ ચાલતા હોય છે અને એમાં ૯૦ ટકા તમારાવાળા જૂના એપિસોડ જ હોય છે એટલે ઈઝીલી તમે ઓળખાઈ ગયા. એ લોકો ઓળખી ગયા પછી તો બોટમાં જે બીજા લોકો હતા એ બધાને પણ ખબર પડી ગઈ અને પછી તો બધેબધા લોકો મળવા આવવા માંડ્યા. મેં તેમને કહ્યું કે પહેલાં આપણે કિનારે પહોંચી જઈએ, પછી બધા શાંતિથી વાતો કરીશું. સાચું કહું તો હું તો એ બધાને મળીને ખુશ થઈ ગયો, પણ એ લોકો મારા કરતાં વધારે ખુશ થયા અને ખુશ થઈને મને આશીર્વાદ આપ્યા. આ જે ફીલિંગ્સ છે એ વર્ણવી ન શકાય એવી ફીલિંગ્સ છે. અજાણ્યા પણ તમને ઓળખે અને ઓળખ્યા પછી જાણે પોતાના જ હોય એ રીતે તમને પ્રેમ કરે, તમને માન આપે. વડીલો તમને દીકરાની નજરે જુએ અને તમારાથી નાના હોય એ બધા તમને મોટા ભાઈની જેમ જુએ. મને ગુજરાતની આ જ વાત બહુ ગમે છે.
આપણે ત્યાં મુંબઈમાં માત્ર ત્યારે જ આવો ભાઈચારો જોવા મળે જ્યારે તમે શૉપિંગ પર ગયા હો. ઓળખાણ પણ નીકળે અને રિલેશન પણ કાઢી લેવામાં આવે. ગામના નામથી વાતો શરૂ થાય અને પછી તો એ જે ઍડ્રેસ હોય એ પણ સાવ ઘરની પાસે નીકળે, પણ ગુજરાતમાં એવું નથી. ગુજરાતમાં તો પાનના ગલ્લા પર પણ બધા પ્રેમથી વાતો કરતા હોય અને ઘરની બહાર બેઠા હોય ત્યારે પણ એટલા જ પ્રેમથી ગપસપ ચાલતી હોય. ગુજરાત સાચે જ મહેમાનોનો વિસ્તાર છે. અહીં અજાણ્યાને પણ પ્રેમ અને લાગણી પીરસવામાં આવે અને અજાણ્યાને પણ પોતાનો ગણવામાં આવે.
બેટ દ્વારકામાં જે મંદિર છે એ મંદિર રુક્મિણી માતાએ બનાવ્યું છે. મંદિરમાં જે મૂર્તિ છે એ માટીની મૂર્તિ રુક્મિણી માતાએ પોતાના હાથે બનાવી છે, જે ૫૦૦૦થી પણ વધુ વર્ષો જૂની છે. આ મૂર્તિ અહીં થયેલા ખોદકામ દરમ્યાન મળી આવી અને એ પછી એની સ્થાપના કરવામાં આવી. અહીં દર્શન કરી અમે ત્યાંથી બીજી એક જગ્યાએ ગયા, જ્યાં હાજરી પુરાય છે. હા, હાજરી કે હું અહીં આવ્યો હતો એ હાજરી. એ મંદિર એકદમ નાનકડું અને એકદમ કોઝી કહેવાય એવું મંદિર હતું, પણ એનાં જે વાઇબ્સ હતાં એ એકદમ અદ્ભુત હતાં. આપણને એમ જ થાય કે આપણે ત્યાં જ બેસી રહીએ અને બસ, એ જગ્યાને માણતા રહીએ. થોડી વાર તો મેં મારી એ ફીલિંગ્સ કાબૂમાં રાખી, પણ પછી મારાથી રહેવાયું નહીં એટલે મેં પૂજારીજીને પૂછ્યું કે અહીં બેસી શકાય?
‘અરે, મોજથી...’ પૂજારીજીએ તરત જ કહ્યું, ‘ને મોજ પડે ત્યાં લગી...’
મોજ.
કાઠિયાવાડનો આ ફેવરિટ શબ્દ છે અને એ ફેવરિટ જ હોવો જોઈએ. ખરેખર ત્યાં મોજ છે અને એ જે મોજ છે એ મોજ જ સાચું જીવન છે. આપણે મુંબઈકર એ દિશામાં ધ્યાન આપવાનું કામ ઓછું કરીએ છીએ, પણ એ કરવું જ રહ્યું. જો એક વાર કરશો તો તમે પણ એ જ કહેતા થઈ જશો, ‘મોજ ભાઈ મોજ...’ભ